ગુજરાતી ફિલ્મજગતમાં જાણીતા બિઝનેસ ગ્રુપ બિરલા સ્ટુડિયોઝે પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ સાથે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. અનન્યા બિરલા દ્વારા સ્થાપિત બિરલા સ્ટુડિયોઝ અને બિગ બોક્સ સિરીઝના સંયુક્ત નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મ 20 નવેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને લઈને ગુજરાતી દર્શકોમાં રસ જોવા મળી રહ્યો છે. આજકાલની મુલાકાતે આવેલા ગુજરાતી ફિલ્મજગતના જાણીતા કલાકાર હિતેન કુમાર અને રવિ ગોહિલે આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે ફિલ્મ વિશે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.
રફ એન્ડ ટફ કન્યાની કહાની પિતા-દીકરીના લાગણીસભર સંબંધો અને સસરા-જમાઈ વચ્ચેની રમૂજી ખેંચતાણની આસપાસ ફરે છે. ફિલ્મમાં એક એવા પિતાની વાત કરવામાં આવી છે, જે પોતાની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. પિતા ઇચ્છે છે કે દીકરી કોઈ અજાણ્યા યુવકના પ્રેમમાં પડીને લગ્ન કરવાનો નિર્ણય ન લે. પરંતુ દીકરીને એક એવા યુવક સાથે પ્રેમ થઈ જાય છે, જેની કેટલીક આદતો તેના પિતાને પસંદ નથી.
દીકરીને પોતાના પ્રેમી પર પૂરો વિશ્વાસ છે. તેને લાગે છે કે લગ્ન પહેલાં તેનો પ્રેમી પોતાની ખરાબ આદતો સુધારી લેશે. યુવક પણ પોતાની ટેવો બદલવા ઇચ્છે છે, પરંતુ સંજોગો એવા સર્જાય છે કે તે તેમાં સફળ થઈ શકતો નથી. બીજી તરફ, પિતા પોતાની દીકરીનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને આવા યુવકને જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી.
આ સ્થિતિમાં પિતા માત્ર દીકરીની વાત પર ભરોસો રાખવાને બદલે તેના પ્રેમીની ટેવોની જાતે તપાસ કરવાનું નક્કી કરે છે. આ માટે તેઓ સીધા જ યુવકના ઘરે પહોંચી જાય છે. ત્યારબાદ સસરા બનવા જઈ રહેલા પિતા અને ભાવિ જમાઈ વચ્ચે રમૂજી પ્રસંગો અને રસપ્રદ પરિસ્થિતિઓ સર્જાય છે. પિતાની ચકાસણીમાં જમાઈ કેટલો ખરો ઊતરે છે અને દીકરીનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે કે નહીં, તે ફિલ્મની કહાનીને રસપ્રદ બનાવે છે.
ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હિતેન કુમાર અને રવિ ગોહિલ સસરા તથા જમાઈની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે યુક્તિ રાંદેરિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં પોતાના અભિનયથી ફિલ્મમાં રંગ ઉમેરે છે.
પ્રેમ, લાગણી, પારિવારિક મતભેદો અને હળવી રમૂજથી ભરપૂર ‘રફ એન્ડ ટફ કન્યા’ ગુજરાતી દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને સસરા-જમાઈ વચ્ચેની નોકઝોક અને પિતા-દીકરીના સંબંધોની રજૂઆત ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહી છે.