BREAKING NEWS

વરૂણ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ યુદ્ધ

  • November 28, 2026 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ અને ખાસ કરીને વિરમગામ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા વરુણ પટેલની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને નિવેદનોએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. વરુણ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં મોટી સામાજિક અને રાજકીય ક્રાંતિ થવાના સંકેત આપતાં પાટીદાર રાજકારણમાં નવી હલચલ ઊભી કરી છે.



વરુણ પટેલના જણાવ્યા અનુસાર, આગામી ફેબ્રુઆરી મહિનામાં પાટીદાર સમાજનો વિશાળ કાર્યક્રમ યોજવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યભરમાં ઝોનવાઇઝ યાત્રા કાઢવા ઉપરાંત ગામેગામ જાહેર સભાઓ યોજવાનું આયોજન છે. જોકે, આ કાર્યક્રમનો ચોક્કસ એજન્ડા, નેતૃત્વ અને રાજકીય દિશા અંગે હજુ સુધી વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.



વરુણ પટેલે સોશિયલ મીડિયા પર કોઈનું નામ લીધા વગર આક્રમક અંદાજમાં લખ્યું હતું કે, ‘અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે... અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ, આગે દેખો સૈલાબ હોગા, ઈંકલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.’ તેમની આ પોસ્ટમાં ‘ઉંદર’ અને ‘દરવાજા બંધ કરી દેવા’ જેવા શબ્દપ્રયોગો કોના માટે હતા તે અંગે સવાલો ઊઠ્યા છે. જોકે, વરુણ પટેલે કોઈનું નામ જાહેર કર્યું નથી. આ અંગે પૂછતાં તેમણે સમય આવ્યે બધું સ્પષ્ટ થશે તેમ કહી ‘વેઇટ એન્ડ વોચ’નો જવાબ આપ્યો હતો.




બીજી તરફ, વિરમગામ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણો વચ્ચે હાર્દિક પટેલ અને વરુણ પટેલ વચ્ચે સોશિયલ મીડિયા પર નામ લીધા વગરની આક્ષેપબાજી પણ ચર્ચામાં છે. ખાસ કરીને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં વિરમગામ બેઠકની ટિકિટ અને સ્થાનિક રાજકીય વર્ચસ્વને લઈને બંને નેતાઓના નિવેદનોને અલગ-અલગ અર્થમાં જોવામાં આવી રહ્યાં છે.




મહત્ત્વનું એ છે કે વરુણ પટેલે 2027ની ચૂંટણી પહેલાં ચૂંટણી લડવાના સંકેતો પણ આપ્યા છે. જોકે, તેઓ કયા પક્ષમાંથી કે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ફેબ્રુઆરીના પાટીદાર કાર્યક્રમને રાજકીય સ્વરૂપ મળશે કે સામાજિક મંચ પૂરતો સીમિત રહેશે તે પણ જોવાનું રહેશે. હાલ વરુણ પટેલના નિવેદનોએ પાટીદાર રાજકારણમાં ફરી ચર્ચાનો વિષય ઊભો કર્યો છે અને વિરમગામ બેઠક પર સૌની નજર કેન્દ્રિત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application