કેમેરા નેટવર્ક 'સુરક્ષિત જૂનાગઢ’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે-ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા
જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ગુના નિવારણને વધુ અસરકારક બનાવવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગુજરાત વિધાનસભાના ગૃહમાં ચાલી રહેલા મોનસુન સત્રમાં ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨ હેઠળ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સીસીટીવી કેમેરાના નેટવર્કના વિસ્તરણ અંગે સરકાર પાસે માહિતી માંગી હતી. જે અંતર્ગત કાયદા રાજ્ય મંત્રીએ બંને જિલ્લાઓમાં કાર્યરત સીસીટીવી કેમેરા અને કંટ્રોલ સેન્ટર દ્વારા ગુના નિવારણ માટે થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો ઉકેલવા સતત કાર્યરત છે. આ ઉપરાંત શહેરીજનોની સુખાકારી અને ગુનાખોરી ડામવા અગાઉ ખુલ્લા મને પોતાના મંતવ્યો પણ રજૂ કરી ગયા છે. સીસીટીવીના કારણે ગણતરીની મિનિટોમાં ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં સરળતા રહે છે. જેને કયા કયા ક્ષેત્રમાં નખાયા તે અંગે વિધાનસભા સત્રમાં માહિતી મેળવી હતી.વિધાનસભા સત્રના બીજા દિવસે ધારાસભ્ય સંજય કોરડીયાએ તા. ૩૧જુલાઈ ૨૦૨૬ સુધીમાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨’ અંતર્ગત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી કેમેરાનો વ્યાપ વધારવા સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ તેમજ હાલ કેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨ હેઠળ જૂનાગઢ જિલ્લામાં કુલ ૪૫૨ અને અમરેલી જિલ્લામાં કુલ ૩૧૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સર્વેલન્સ નેટવર્ક દ્વારા મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.આ તમામ કેમેરાનું લાઇવ સિંક્રોનાઇઝેશન જિલ્લા કક્ષાના ‘નૈત્રમ’ તથા રાજ્ય કક્ષાના ‘ત્રિનેત્ર’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કરવામાં આવ્યું છે. જેના પરિણામે ટ્રાફિક મોનિટરિંગ, વાહનોનું ટ્રેકિંગ, ગુના નિવારણ તેમજ જાહેર સુરક્ષાની વ્યવસ્થા વધુ અસરકારક બનશે.
અસામાજિક તત્વો પર નજર રાખવા અને નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ મળે તે માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં ધારાસભ્ય દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે.’ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત કેમેરા નેટવર્ક જૂનાગઢની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘સુરક્ષિત જુનાગઢ’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application