ગુજરાત વિધાનસભામાં ચાલુ વંદે માતરમના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા બેસી જતા વિવાદ સર્જાયો હતો. મંત્રી પ્રવીણ માળી અને ધારાસભ્ય મહેશ કસવાલાએ વિરોધ દર્શાવ્યો હતો. તો પ્રવીણ માળીએ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે જો ભૂલથી બેસી ગયા હોય તો તેમણે ગૃહની માફી માગવી જોઈએ.
આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતાં જ ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. સત્રની શરૂઆતમાં જ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના અપમાનનો મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે આકરા પ્રહાર કર્યા છે.
મંત્રી પ્રવીણ માળીએ અને મહેશ કસવાલાએ મીડિયા સમક્ષ આ ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે, વંદે માતરમ વર્ષોથી ગૃહમાં સન્માનપૂર્વક ગવાય છે. આજે જ્યારે આ ગીત શરૂ થયું ત્યારે સંસદીય પ્રણાલી અને રાષ્ટ્રીય ગીતનું અપમાન થયું છે, જે ઇમરાન ખેડાવાલા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે સરકાર વતી આ ઘટનાની આકરી ટીકા કરી હતી.
પ્રવીણ માળીએ વધુમાં સવાલ કર્યો હતો કે, આ ઘટના જાણી જોઈને કરવામાં આવી છે કે ભૂલથી થઈ છે, તે અંગે સ્પષ્ટતા કરે. જો આ બાબતે ભૂલ થઈ હોય તો તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ. ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના બની નથી, આ પહેલીવાર બન્યું છે. સરકાર આ અંગે ગૃહમાં સત્તાવાર રજૂઆત કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.