દેશના પાંચ મોટા પ્રાઇવેટ હોસ્પિટલોમાં એક બેડ માટે દર્દીઓ પાસેથી રોજ સરેરાશ ૬૨ હજારથી ૭૩ હજાર રૂપિયા સુધીનું બિલ વસૂલવામાં આવી રહ્યું છે. ટેક્સ, વ્યાજ અને સંચાલન ખર્ચ નીકળ્યા બાદ પણ દરેક બેડથી રોજની કમાણી ૯.૪ હજારથી ૧૧.૪ હજાર રૂપિયા સુધીની થાય છે. 'જન સ્વાસ્થ્ય અભિયાન' દ્વારા યોજવામાં આવેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. અભિયાનના કાર્યકર્તાઓએ સોમવારે આરોગ્ય સેવાઓમાં ચાલી રહેલી આ અસહ્ય મોંઘવારી અને મનમાની પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
અભિયાનના રિપોર્ટ મુજબ, દેશની મોટી હોસ્પિટલોનું નેટવર્ક છપ્પરફાડ કમાણી કરી રહ્યું છે. પ્રભાવી અસ્પતાલોમાં પ્રતિ બેડ રેવન્યુ રોજિંદા સરેરાશ ૭૭,૮00 રૂપિયા અને ૬૮,૮૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે, જ્યારે ચોખ્ખો નફો પ્રતિ બેડ વાર્ષિક ૫૫.૮ લાખ રૂપિયા અને ૩૭.૯ લાખ રૂપિયા સુધી નોંધાયો છે. આ હોસ્પિટલો ઊંચા ટાર્ગેટ સાથે કામ કરી રહી છે.
જન સ્વાસ્થ્ય અભિયાનના સહ-સહાયક ડૉ. ગોપકુમારે જણાવ્યું હતું કે, પ્રભાવી નિયમન કાયદાના અભાવે દેશમાં હોસ્પિટલો મનફાવે તેમ નાણાં વસૂલી રહી છે. એક પ્રેસ રિપોર્ટના આધારે તેમણે ખુલાસો કર્યો કે, એક રૂપિયામાં ખરીદેલી દવા કે સર્જિકલ સોય હોસ્પિટલની ફાર્મસીમાં ચારથી બાવન ગણા સુધીના ભારે નફા સાથે દર્દીઓને વેચવામાં આવે છે.
દવા અને ઇલાજની સામગ્રી (કન્ઝ્યુમેબલ્સ)ની ખરીદીમાં પણ મોટો ફેરફાર જોવા મળે છે. હોસ્પિટલો દર્દીઓને માત્ર પોતાની જ ફાર્મસીમાંથી દવા અને સામાન ખરીદવા માટે મજબૂર કરે છે, જેમાં અતિશય ભારે માર્જિન વસૂલવામાં આવે છે. દાખલા તરીકે, સર્જિકલ સેટ (ખરીદ કિંમત રૂ.૦.૬૩) દર્દીઓને ચાર રૂપિયામાં એટલે કે ૫૩૫ ટકા માર્જિન સાથે વેચવામાં આવે છે, જ્યારે આઈસીયુ સેટ (ખરીદ કિંમત રૂ.૧૧.૫) પર ૧,૨૭૯ ટકા અને પીપ્રીઈ કિટ (ખરીદ કિંમત રૂ.૧૭૫) પર ૨૪૩ ટકા સુધીનું માર્જિન લેવામાં આવે છે.
દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી દવાઓ અને ઇન્જેક્શન પર સેંકડો ટકા નફો વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં કર્ણાટકમાં ગ્લુકોમા (ક્રિટિકેર) ઇન્જેક્શન જે ૯૬ રૂપિયામાં ખરીદવામાં આવે છે, તે દર્દીઓને ૪,૫૨૮ રૂપિયામાં (૪૪.૪૩ ગણા નફા સાથે ૪,૪૧૬ ટકા માર્જિન) વેચવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાઇડ્રોક્સિઝાઈન હાઇડ્રોક્લોરાઈડ ઇન્જેક્શન (૧૦૦ એમજી) જે ૧૮૧ રૂપિયામાં ખરીદાય છે, તે ૯૫૦ રૂપિયામાં વેચાય છે (૪૨૩ ટકા માર્જિન). કોલિસ્ટિમેથેટ સોડિયમ ઇન્જેક્શન (૪.૫ એમજી) ૭૧૫ રૂપિયાથી વધારીને ૫,૩૮૫ રૂપિયામાં (૬૫૩ ટકા માર્જિન) અને પેરેસિટામોલ ઇન્જેક્શન ૩૩ રૂપિયાથી વધારીને ૪૦૮ રૂપિયામાં (૧,૧૪૫ ટકા માર્જિન) આપવામાં આવે છે.
આ ઉપરાંત, ૪૬ દવાઓમાંથી બાવીસ દવાઓ પર નફાનું માર્જિન ૧૫૦ ટકાથી વધુ છે. મહારાષ્ટ્રની કેટલીક હોસ્પિટલોએ તો ૨૨ ટકાથી પણ વધુ દવાઓ પર ૧૫૦ ટકાથી વધુ નફો વસૂલ્યો છે.
અભિયાનના નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં એવી કોઈ પ્રભાવી વ્યવસ્થા કે નિયમનકારી એજન્સી નથી, જે કોર્પોરેટ હોસ્પિટલોની મનમાની રોકી શકે. જોકે, કાયદામાં હોસ્પિટલોના નિયમન માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવાની જોગવાઈ છે, પરંતુ હોસ્પિટલોના ખર્ચની સીમા નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર પાસે આ અધિકાર છે જ્યારે દરેક રાજ્યએ તેને લાગુ કરવાનો રહે છે. રાજ્ય સરકારોની નિરસતા અથવા અસહાયતાના કારણે કેન્દ્ર કે અન્ય રાજ્યોમાં આ કાયદો યોગ્ય રીતે અમલમાં આવી શક્યો નથી.