BREAKING NEWS

કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહે પાંચ વર્ષમાં જનરલ બોર્ડમાં એક પણ પ્રશ્ન ન પૂછ્યો

  • February 28, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરની સૌથી મોટી જવાબદારી લોકપ્રશ્નોનું નિરાકરણ કરવાની હોય છે. રાજકોટ મહાપાલિકામાં દર બે મહિને મળતી જનરલ બોર્ડ મિટિંગના એક કલાકના પ્રશ્નોતરી કાળમાં લોકોને પ્રત્યક્ષ અસર કરતા પ્રશ્ર્નનું પૂછાણ કરી અધિકારીઓ ઉપર દબાણ સર્જવામાં આવતું હોય છે. દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નોની સંખ્યા જોતા વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન એકપણ પ્રશ્ન બોર્ડમાં રજૂ કર્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, કાળુભાઇ કુંગશીયા, વજીબેન ગોલતર, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને ભારતીબેન પરસાણાએ માત્ર બબ્બે પ્રશ્ર્નો પૂછ્યા છે. પ્રશ્ર્નોત્તરી કાળમાં પ્રશ્નો મૂકવાની બાબતમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણી તમામ ૭૨ કોર્પોરેટરોમાં પ્રથમ ક્રમે છે, તેમણે કુલ ૬૭ સવાલો ઉઠાવ્યા હતા.

શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોના બોર્ડમાં પૂછવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા જોઇએ તો ભાનુબેન બાબરિયાએ સાત, દુર્ગાબા જાડેજાએ પાંચ, અલ્પાબેન દવેએ આઠ, કુસુમબેન ટેકવાણીએ સાત, બાબુભાઇ ઉધરેજાએ નવ, દેવુબેન જાદવે પાંચ, જયશ્રીબેન ચાવડાએ નવ, વર્ષાબેન પાંધીએ નવ, પ્રિતીબેન દોશીએ સાત, બિપીનભાઇ બેરાએ છ, આશાબેન ઉપાધ્યાયે નવ, દક્ષાબેન વસાણીએ છ, પુષ્કરભાઇ પટેલે પાંચ, લીલુબેન જાદવે ૬, રણજીતભાઇ સાગઠીયાએ નવ, અસ્મિતાબેન દેલવાડીયાએ પાંચ, જયાબેન ડાંગરે છ, સુરેન્દ્રસિંહ વાળાએ ત્રણ, સુરેશભાઇ વસોયાએ નવ, અનિતાબેન ગૌસ્વામીએ ચાર, રવજીભાઇ મકવાણાએ છ, વિનુભાઇ ઘવાએ ચાર અને સંદીપ ગાજીપરાએ ચાર પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.

ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ સહિત કુલ ૭૨ કોર્પોરેટરએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મળેલી જનરલ બોર્ડની કુલ ૩૮ બોર્ડ મિટિંગના પ્રશ્નોતરીકાળમાં કુલ ૮૬૮ પ્રશ્નો પૂછી અધિકારીઓ પાસેથી રાજકોટના વિકાસ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાન્ટ, સરકારી યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા, પાણી વિતરણ વ્યવસ્થા, રોડ-રસ્તા સહિત લોકોને પ્રત્યક્ષ અસર કરતા હોય તેવા મુદ્દાઓ અંગે પ્રશ્નો પુછી અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી. બોર્ડમાં પ્રશ્ર્નોત્તરી કાળનો સમય એક કલાકનો હોય છે. જેમાં ગમે તેટલા કોર્પોરેટરે ગમે તેટલા પ્રશ્નો રજૂ કર્યા હોય પરંતુ વણલખી પરંપરા અનુસાર પ્રથમ ક્રમે રહેલા એક જ પ્રશ્નની ચર્ચામાં એક કલાક વેડફી નાખવામાં આવતો હતો અને મુખ્યત્વે રાજકીય આક્ષેપબાજીમાં જ સમય વ્યતિત થતો, ચર્ચામાં નહીં આવેલા પ્રશ્નોના જવાબ કોર્પોરેટરોને બોર્ડ મિટિંગ બાદ લેખિતમાં મોકલી આપવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.



બોર્ડમાં પ્રશ્નો પૂછવામાં મોખરે ટોપ-૧૦ કોર્પોરેટર

ક્રમ---નામ--પ્રશ્ન સંખ્યા

૧.ભાનુબેન સોરાણી ૬૭

૨.વશરામ સાગઠીયા ૫૩

૩.મકબૂલ દાઉદાણી ૪૫

૪.કોમલબેન ભારાઇ ૪૨

૫.દેવાંગભાઇ માંકડ ૧૯

૬.રસિલાબેન સાકરીયા ૧૯

૭.નીતિન રામાણી ૧૮

૮.ડો.અલ્પેશ મોરજરીયા ૧૭

૯.હાર્દિક ગોહેલ ૧૭

૧૦.ચેતન સુરેજા ૧૭



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application