BREAKING NEWS

ગુજરાતથી દેશની પહેલી LNG સંચાલિત ટ્રેન લોન્ચ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી લીલી ઝંડી, જાણો ટ્રેનની વિશેષતાઓ

  • September 27, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧,૫૪૨ કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટ્સ અને વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તેમણે દેશની પ્રથમ એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) થી ચાલતી ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી, જે ભારતીય રેલવે માટે એક સીમાચિહ્ન સમાન પગલું છે.

આ નવીનતમ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે એકવાર સંપૂર્ણ ટેન્ક ભરાયા બાદ ૨,૨૦૦ કિલોમીટર સુધીનું લાંબું અંતર કાપી શકે છે. આ ટ્રેન સંપૂર્ણપણે એલએનજી બેઝ્ડ છે અને તેનું એન્જિન એલએનજી તેમજ ડીઝલ બંને ફ્યુઅલ પર ચાલી શકે છે. જરૂરિયાત અને ઉપલબ્ધતા મુજબ એન્જિન આપમેળે એલએનજી અને ડીઝલ વચ્ચે સ્વિચ થવાની ક્ષમતા ધરાવે છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે ૮ મહિના સુધી આ ટ્રેનનું સફળ ફિલ્ડ ટ્રાયલ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

સાગર મંડળ અને સાબરમતી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં વિકાસની ગતિ ઘણી મંદ હતી, પરંતુ વર્ષ ૨૦૧૪ પછી રેલવે ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન અને બાયો ટોઇલેટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રેલવેમાં ૨૯૩ કરોડ લિટર ડીઝલ વપરાતું હતું, જે ઘટીને ૧૦૮ કરોડ લિટર થઈ ગયું છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ડીઝલનો વપરાશ સંપૂર્ણપણે શૂન્ય કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં રેલવે બજેટ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૯-૧૪ દરમિયાન ગુજરાત માટે ફાળવાતું બજેટ માત્ર ૫૮૪ કરોડ રૂપિયા હતું, જે વધીને વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૭,૩૬૬ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૪૦0 એચપી ક્ષમતાવાળા બે ડ્રાઇવિંગ પાવર કારને એલએનજી ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં અન્ય ૮ થી ૧૦ ટ્રેનોમાં પણ આ ટેકનોલોજી અપનાવવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનના વૈશ્વિક સ્તરીય વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગુજરાતને અત્યાર સુધીમાં ૫ વંદે ભારત તથા ૧ અમૃત ભારત ટ્રેનની ભેટ મળી છે, જેનાથી મુસાફરોની અવરજવર વધુ સરળ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application