કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાપરના પ્રાગપર ગામ પાસે પૂરઝડપે આવતી કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર પતિ-પત્ની બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાપરના એકતાનગર વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન મસુરીયા પોતાના બાઈક પર સવાર થઈને આડેસર તરફ જઈ રહ્યા હતા. તેઓ પોતાના કોઈ સંબંધીને મળવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પ્રાગપર પાસે કાળ મુખી કારે તેમની બાઈકને અડફેટે લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કારની ગતિ એટલી વધારે હતી કે બાઈક સાથેની ટક્કર બાદ દંપતી ફંગોળાઈ ગયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. રાપર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત સર્જનાર કારચાલકને પણ આ ટક્કરમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.
પરિવારમાં શોકનું મોજું
એકસાથે પતિ-પત્નીના મોતના સમાચાર મળતા જ મસુરીયા પરિવાર અને એકતાનગર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સંબંધીને મળવા જઈ રહેલું દંપતી રસ્તામાં જ કાળનો કોળિયો બની જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. રાપર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કારચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.