BREAKING NEWS

વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં કોર્ટે પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધી કેદની સજા, નવરાત્રીની રાતે સગીરાનું સર્વસ્વ છિનવ્યું

  • August 31, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરાના બહુચર્ચિત અને અતિ સંવેદનશીલ ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સી.એમ. પવારની કોર્ટે પાંચેય દોષિતોને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે પીડિત સગીરાને આર્થિક પુનર્વસન અને ન્યાયના ભાગરૂપે રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.


સજાના એલાન વખતે દોષિત મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ સતારને કડક સુરક્ષા વચ્ચે કોર્ટરૂમમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ ધારદાર દલીલો કરતા જણાવાયું હતું કે, નરાધમોએ આચરેલો આ ગુનો અત્યંત ગંભીર અને માનવતાને શરમજનક છે. પ્રોસિક્યુશન તરફથી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા એટલે કે આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની સજા) આપવા માંગ કરાઈ હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.


આ સમગ્ર કાળી રાતની ઘટના ચોથી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ નવરાત્રીના બીજા નોરતે ઘટી હતી. ૧૬ વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ગરબા રમીને ભાયલીના નિર્જન વિસ્તારમાં બેઠી હતી. તે દરમિયાન બે બાઇક પર આવેલા પાંચ શખસોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ટુ-વ્હીલરની ચાવી આંચકી લીધી અને 'તેરે પાપા કા નંબર દે, અભી બુલાતે હૈ' કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. સગીરાએ મદદ માટે બૂમો પાડતા બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ બાકીના ત્રણ નરાધમોએ સગીરાના મિત્રને પકડી રાખી તેના પર બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.


ઘટના બાદ હેબતાઈ ગયેલી સગીરા અને તેનો મિત્ર હિંમત ભેગી કરી માત્ર બે કિલોમીટર દૂર આવેલા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતાં પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નિર્જન જગ્યા અને સીસીટીવી વગરના વિસ્તારમાં અજાણ્યા આરોપીઓને શોધવા પોલીસ માટે બહુ મોટો પડકાર હતો. વડોદરા પોલીસે તાત્કાલિક ૨૦૦થી વધુ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી, ત્રણ કિલોમીટરના દાયરામાં આવેલા ૧૦૦૦થી વધુ ઘરોની તપાસ કરી હતી અને ૪૫ કિલોમીટરના રૂટ પરના ૧૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.


આ કેસનો મુખ્ય વળાંક સગીરાના લૂંટાયેલા મોબાઈલ પરથી મળ્યો હતો. ઘટનાની રાત્રે ૧૨.૩૦ વાગ્યે સગીરાની માતાએ ફોન કરતાં આરોપીઓએ ભૂલથી ત્રણ સેકન્ડ માટે કોલ રિસીવ કર્યો હતો, જેમાં પાછળ ડીજેનો અવાજ સંભળાયો હતો. ટેકનિકલ ટીમે ચાર લાખથી વધુ ટાવર ડમ્પ ડેટા એનાલિસિસ કરીને ૬૦ શંકાસ્પદ લોકેશન શોધ્યા હતા. તેમાંથી સુશેન-તરસાલી રોડ પર રજવાડી હોટલ પાસે ચા પીવા રોકાયેલા મુન્ના બનજારાનું લોકેશન ટ્રેસ થયું હતું. પોલીસે રાત્રે એક વાગ્યે દરોડો પાડી મુન્નાને પકડી પાડ્યો અને તેની પૂછપરછના આધારે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં તમામ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.


સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, પોલીસે અને પ્રોસિક્યુશન ટીમે સાંયોગિક પુરાવાની દરેક કડી શંકારહિત રીતે કોર્ટમાં રજૂ કરી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા સગીરાનો ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો, જેને શોધી કાઢનાર ફાયર બ્રિગેડના અધિકારીઓની જુબાની અને મેડિકલ પુરાવા કોર્ટે માન્ય રાખ્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના અને તાંદલજા વિસ્તારમાં રહી પીઓપી-કલરકામ કરતા આ પાંચેય આરોપીઓને પોલીસે ઘટનાના માત્ર ૪૮ કલાકમાં જ જેલભેગા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News