ગાય માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે ગૌપ્રેમીઓનું કલેક્ટર કચેરીએ આવેદન
ગાય માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે ગૌપ્રેમીઓનું કલેક્ટર કચેરીએ આવેદન
July 27, 2026 03:03 PM
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૌપ્રેમીઓ, ગૌસેવકો તેમજ સાધુ-સંતોએ ગાય માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની લાગણી અને માંગ રજૂ કરી હતી. મોટી સંખ્યામાં ગૌભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને સન્માન માટે કડક કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા તરીકેનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે અને તેના સંરક્ષણ માટે સમગ્ર દેશમાં એકસમાન તથા વધુ અસરકારક કાયદો અમલમાં મૂકવો જરૂરી છે. ગૌવંશની ગેરકાયદે હત્યા અને હેરફેરને સંપૂર્ણપણે રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ગૌપ્રેમીઓએ વધુમાં માંગ કરી હતી કે દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ધ્યાનમાં રાખીને ગાય માતાને સત્તાવાર રીતે 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવામાં આવે. તેમના મતે આ નિર્ણયથી ગૌવંશના સંરક્ષણને વધુ બળ મળશે તેમજ સમાજમાં ગાય પ્રત્યે જાગૃતિ અને સન્માનની ભાવના વધુ મજબૂત બનશે. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં ગૌસેવકો, ગૌભક્તો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી અને સરકારને આ મુદ્દે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું જો તેમની માંગણીનો વહેલી તકે યોગ્ય રીતે સ્વીકાર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવી શકે જે ગૌવંશના રક્ષણ અને ગાય માતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવા માટે લોકશાહી ઢબે રહેશે. હાલ આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે સંબંધિત સરકાર સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.