ગુમ થયેલા પુખ્ત વયના લોકોને શોધવા માટે SOP બનાવો: હાઇકોર્ટનો પોલીસને આદેશ
ગુમ થયેલા બાળકોને શોધવા માટે અમલમાં રહેલી સરકારી પ્રક્રિયાની જેમ હવે ગુમ થયેલા પુખ્ત વયના નાગરિકોને શોધવા માટે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવા ગુજરાત હાઇકોર્ટે પોલીસ વિભાગને આદેશ આપ્યો છે. ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળમાં પોલીસની જવાબદારી અને કામગીરી નક્કી થાય તથા ફરિયાદીઓને ધક્કા ખાવા ન પડે તે હેતુથી હાઇકોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.
નિવૃત્ત ન્યાયાધીશ રાજેશકુમાર ઓઝા સપ્ટેમ્બર 2023થી ગુમ હોવાના મામલે દાખલ થયેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટનું આ કડક વલણ સામે આવ્યું હતું. ઓઝાની પુત્રીએ પિતાને શોધવા અને પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવતી નિષ્ક્રિયતા સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પોલીસ એફ આઈ આર નોંધવામાં નિષ્ફળ રહેતાં ખંડપીઠે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
જસ્ટિસ ભાર્ગવ કારિયા અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન જસ્ટિસ કારિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતાં ટકોર કરી હતી કે પોલીસ જંગલમાંથી ચકલી પણ શોધી શકે તેવી સત્તા અને ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં નાગરિકો સાથે ઉદાસીનતાભર્યું વર્તન થવું જોઈએ નહીં. આવા કેસોની તપાસ માટે નિયમિત કામગીરીને અસર ન થાય તે રીતે અલગ ટીમો બનાવવાની પણ ટકોર કરી હતી.
હાઇકોર્ટે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટેની પ્રક્રિયાના આધારે પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધવા માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.
કોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે સોગંદનામું માગ્યું છે. તેમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ, લેવામાં આવેલા પગલાં અને ભવિષ્યમાં શોધખોળ માટેની કાર્યયોજનાની વિગતો રજૂ કરવાની રહેશે. આ માટે 4 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.
ખાસ કરીને ટેકનોલોજી પરના વધુ પડતા આધાર સામે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસ માનવ સ્ત્રોતો મારફતે માહિતી મેળવવાની પરંપરાગત તપાસ પદ્ધતિઓને અવગણી શકે નહીં તેવી સ્પષ્ટ ટકોર કરી હતી.
બીજી તરફ, એફ આઈ આર નોંધાઈ ન હોવાથી પુત્રી પિતાના ફેમિલી પેન્શન સહિતની પ્રક્રિયા આગળ વધારી શકતી ન હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આખરે સરકારી વકીલની ખાતરી બાદ શુક્રવારે મોડી રાત્રે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ન્યાયાધીશ રાજેશકુમાર ઓઝાના ગુમ થવા અંગે એફઆઈ આર નોંધવામાં આવી હતી. હવે 4 ડિસેમ્બરની સુનાવણીમાં પોલીસ તપાસ અને એસઓપી અંગેનો અહેવાલ મહત્ત્વનો બની રહેશે.