BREAKING NEWS

મોરબી હાઉસ પાસે ચોરાઉ બાઇક સાથે રીઢા આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

  • September 16, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જંકશન પ્લોટ પાસે મોરબી હાઉસ નજીકથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરાઉ બાઇક સાથે રીઢા આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસને પૂછતાછ કરતા તેણે આ બાઈક 25 દિવસ પૂર્વે ગંજીવાડા નાકા પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી. રાવલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ, કોન્સ્ટેબલ તોફિકભાઈ જુનાચ અને જીલુભાઇ ગરચરને મળેલી બાતમીના આધારે જંકશન પ્લોટ મેઇન રોડ પર મોરબી હાઉસ પાસેથી એક શખસને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જીતેશ અમરશીભાઈ વાઘેલા (ઉ.વ.37 રહે. પરસાણાનગર શેરી નંબર 6, જામનગર રોડ) હોવાનું જણાવ્યું હતું. આ શખસ પાસે બાઈકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે સઘન પૂછતાછ કરતા આ બાઈક તેને 25 દિવસ પૂર્વે ગંજીવાડા નાકા પાસે પેટ્રોલ પંપ નજીક કેબિન પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રૂપિયા 70,000 ની કિંમતનું બાઈક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી સામે અગાઉ વાહન ચોરી જાહેરનામા ભંગ, વાહન ચોરી, સ્ત્રી અત્યાચાર સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે. આર્થિક તંગી દૂર કરવા માટે બાઈક ચોરી કર્યાનુ રટણ કર્યું હતું. આ કામગીરીમાં એએસઆઇ સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ માવદીયા, દીપકભાઈ ડાંગર, અશ્વિનભાઈ પંપાણીયા સાથે રહ્યા હતા.જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એન. શ્યોરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મુંજકા નજીક આર્ષ વિદ્યા મંદિર પાસે ટીટોડીયા વિસ્તારમાં જવાના પુલ નજીકથી શંકાસ્પદ એકટીવા સાથે એક શખસને ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મિલન વિનોદભાઈ સિંધવ (ઉ.વ.23 રૈયાધાર, ઇન્દિરાનગર શેરી નંબર 32) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સઘન પૂછતાછ કરતા આ એકટીવા તેણે ચાર દિવસ પૂર્વે રૈયાધાર બાર માળિયા ક્વાર્ટરના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે રૂપિયા 88,998 ની કિંમતનુ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application