રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં બાળ આરોપીના માથામાંથી વાળ ખેંચી ક્રૂરતા આચરતો વાયરલ વિડીયોએ કાંડમાં પોલીસ કમિશનરે બે કોન્સટેબલની તત્કાલ બદલીના ઓર્ડર કરી એક ને પોલીસ હેડક્વાટર અને બીજાને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કર્યા બાદ આ અંગેની તપાસ એસીપી રાધિકા ભારાઇને સોંપાતા આરોપી ના વાળ સફાઈ કામદારે અને વીડિયો પોલીસમેને ઉતાર્યાનું બહાર આવતા આરોપીના દાદીની ફરિયાદ પરથી બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ થયો હતો.
આ ગુના હેઠળ બાળ આરોપીની ધરપકડ કરી હતી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત 31 ઓગસ્ટના બહ્મસમાજ ચોકમાં મજાક મસ્તી કરવા બાબતે માથાકૂટ થતા તેજસ ડાંગર નામના યુવકને પેટમાં છરીના ઘા ઝીંકવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી ચાર બાળ આરોપી સહિત પાંચની ઘરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસ મથકમાં બાળ આરોપીના જીવતા વાળ ખેંચી કૃરતા પૂર્વક અમાનુષી સજા કરતો સફાઈ કામદારનો વિડીયો વાયરલ થયો હતો.
બાળ આરોપી બે હાથ જોડી આજીજી કરતો રહ્યો
આ વીડિયોમાં પોલીસ મથકનો સફાઈ કામદાર શૈલેષ બાળ આરોપીને નીચે બેસાડી તેના માથામાંથી વાળ ખેંચી બાજુમા રાખેલ ડસ્ટબીનમાં નાખતો હોવાનું અને બાળ આરોપી મને છોડી દ્યો કહી બે હાથ જોડી આજીજી કરી રહ્યો હોય અને કહેતો હતો કે વાળ કાપવા હોય તો કાતરથી કાપી નાખો. જેમા વીડિયો ઉતારનાર કહે છે કે આગળથી સરખા નથી થયા આગળ ખેંચ જેથી સફાઈ કામદારે જોરજોરથી વાળ ખેંચતો હોવાનુ વીડિયોમાં નજરે પડી રહ્યું હતું.
બે પોલીસકર્મીની તાત્કાલિક બદલી
આ શરમજનક બનાવમાં પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝાએ વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા તેમજ વીડિયો ઉતારનાર ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સટેબલ પ્રદિપ ડાંગરને હેડકવાટર અને તેની સાથે રહેલા સહદેવસિંહ જાડેજાને ટ્રાફીક શાખામાં તાત્કાલિક અસરથી બદલીના આદેશ કરી છૂટા કરવા હુકમ કરાયા હતા.
બે સામે ગુનો નોંધાયો
આ બનાવ અંગેની તપાસ પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈને સોપવામાં આવ્યા બાદ અનુમાષી કૃત્યના બનાવમાં બાળ આરોપીના વાળ ખેંચનાર સફાઈ કામદાર શૈલેષ હોવાનું અને વીડિયો ઉતારનાર ડિસ્ટાફના પોલીસમેન પ્રદીપ ડાંગર હોવાનું બહાર આવતા ભોગ બનનાર બાળ આરોપીના દાદી નજુબેન સતારભાઈ કાલાવડીયા ઉંમર 55 રહે રૈયા રોડ શિવપરા મફતિયાપરા વાળાની ફરિયાદ પરથી બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ ક્રૂરતા કાંડમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, દ્વારા તપાસના આદેશ કરાતા ડી ઝોન ટુ રાકેશ દેસાઈ ની સૂચનાથી એસીપી રાધિકા ભારાઈ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું કે પોલીસમેન પ્રદીપ ડાંગરે જ આ વિડીયો ઉતારેલ હોય તેની બદલી થયા બાદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસમેન તેમજ સફાઈ કામદાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વિડિયો ઉતાર્યા બાદ શા માટે વાયરલ કર્યો તે અંગે તપાસ
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં બાળ આરોપીના જીવતા વાળ ખેંચવાના પ્રકરણમાં અંતે સફાઈ કામદાર અને વિડીયો ઉતારનાર પોલીસમેન સામે ગુનો દાખલ થયા બાદ આ વિડીયો ઉતારનાર પ્રદીપ ડાંગરે વિડિયો શા માટે ઉતાર્યો અને ઉતાર્યા પછી વિડિયો વાયરલ કોને અને શા માટે કર્યો તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.