અરબી સમુદ્રમાં શક્તિ નામના વાવાઝોડું સર્જાયું છે. હવામાન વિભાગે આ વાવાઝોડું આવતીકાલે ગુજરાત તરફ યુટર્ન મારશે તેવી આગાહી કરી છે. જોકે ગુજરાતીઓએ ગભરાવવાની જરૂર નથી. ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું આવશે ત્યારે નબળુ પડી જશે અને મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. જોકે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે. જોકે ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી. કારણ કે, વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન કુકશે.
માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ
ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતાં. હવામાન વિભાગ તરફથી 'શક્તિ' વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળશે
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 4થી 7 ઓક્ટોબર દરમિયાન બંને રાજ્યના દરિયાકાંઠે અને નજીકના વિસ્તારોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે, 65 કિમી પ્રતિ કલાકના ઝાટકા સાથે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. 7 ઓક્ટોબર સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા સાથે સમુદ્રની સ્થિતિ અત્યંત તોફાની રહેવાની સંભાવના છે.