અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓ પછી મધ્યપૂર્વમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના સીધા પ્રભાવ હવાઈ સેવાઓ પર જોવા મળી રહ્યા છે. ભારતના DGCAએ ભારતીય એરલાઇન્સને ઇરાન, ઇઝરાયલ સહિત 11 દેશોના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવાનું ટાળવાની તાત્કાલિક સલાહ આપી છે. આ નિર્ણય 2 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. DGCAએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો અને યુરોપીયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)ના કોન્ફ્લિક્ટ ઝોન બુલેટિનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
ફ્લાઇટ્સ રદ, ડાયવર્ઝન અને મુસાફરોને મુશ્કેલી
સલાહ બાદ એર ઇન્ડિયા, ઈન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે મધ્યપૂર્વ જતી ઘણી ફ્લાઇટ્સ રદ અથવા સ્થગિત કરી છે. અચાનક એરસ્પેસ બંધ થવાથી અનેક આંતરરાષ્ટ્રીય વિમાનોને માર્ગ બદલવા પડ્યા હતા. દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની એક ફ્લાઇટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું. શનિવારે સાંજે 5:45 વાગ્યા સુધીમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 57 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અમૃતસરનાશ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશલ એરપોર્ટ એ પણ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
સરકાર અને એરપોર્ટ્સ એલર્ટ પર
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં મુસાફરોની સુરક્ષા અને રિયલ-ટાઈમ સંકલન પર ભાર મૂકાયો હતો. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ખાનગી એરપોર્ટ ઓપરેટરોને સંભવિત ડાયવર્ઝન અને ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ચાર્જમાં છૂટ આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે મિનિસ્ટ્રી ઓફ એક્સર્ટનલ ઓફ અફેર્સ સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.