ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી બજેટ એરલાઈન સ્પાઈસજેટ (SpiceJet)ની મુશ્કેલીઓમાં વધુ એક મોટો ઉમેરો થયો છે. ઉડ્ડયન નિયમનકાર 'ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન' (DGCA) દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ એરલાઈનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં વિમાનન નિયમોના વારંવાર થતા ઉલ્લંઘન, ફ્લાઈટના સંચાલનમાં સતત આવતા અવરોધો, બાકી લેણાં અને દંડની રકમ ન ચૂકવવી તેમજ કોઈ નક્કર રિકવરી પ્લાન વગર મોટાભાગના વિમાનો ગ્રાઉન્ડેડ રાખવા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
DGCAએ સ્પાઈસજેટને આ નોટિસનો યોગ્ય ખુલાસો કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. નિયમનકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એરલાઈન નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં આપે, તો DGCA દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે એકતરફી આદેશ જારી કરવામાં આવી શકે છે.
બીજી તરફ, એરલાઈનની કથળતી સેવાઓને કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના 19 નવેમ્બરના આંકડા મુજબ, સ્પાઈસજેટનો ઓન-ટાઈમ પરફોર્મન્સ (OTP) ગગડીને માત્ર 25% પર પહોંચી ગયો છે, જ્યારે દેશની અન્ય મુખ્ય એરલાઈન્સનો OTP 80% થી વધુ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્પાઈસજેટે પોતાની 50% થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેતાં મુસાફરોની પરેશાનીમાં મોટો વધારો થયો છે.
રોકડની તીવ્ર અછત, કર્મચારીઓના પગારમાં વિલંબ અને વિમાનોના લીઝર્સને સમયસર ચૂકવણી ન કરી શકવાને કારણે સ્પાઈસજેટ પાસે હવે કાર્યરત સ્થિતિમાં 10 થી પણ ઓછા વિમાન બચ્યા છે. તેની સીધી અસર કંપનીના બજાર હિસ્સા પર પડી છે. વર્ષ 2019માં જે એરલાઈનનો સ્થાનિક માર્કેટ શેર આશરે 15% હતો અને જાન્યુઆરી 2026માં લગભગ 4% હતો, તે ઓક્ટોબર મહિનામાં ઘટીને માત્ર 0.6% રહી ગયો છે. અગાઉ કંપનીના બોર્ડે ₹5,500 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી, પરંતુ આ ભંડોળ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
દેશ ઉપરાંત વિદેશી એરપોર્ટ પર પણ સ્પાઈસજેટની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. બાકી નીકળતી રકમ ન ચૂકવવાને કારણે ગયા અઠવાડિયે દુબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ચેક-ઈન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત, ફરજિયાત વીમા કવચના રિન્યુઅલ અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે જરૂરી 20 વિમાન અથવા 20% ક્ષમતાના નિયમનું પાલન ન થવા અંગે પણ ઉડ્ડયન નિયમનકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.