BREAKING NEWS

મોરબીમાં સનફેમ અને સનક્યુરો સિરામિક યુનિટમાં ડીજીજીઆઈના વ્યાપક દરોડા

  • January 24, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં સિરામિક યુનિટમાં સીજીએસટી વિભાગ દ્વારા ગઈકાલ સાંજથી વધુ એક દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીના રવાપર રોડ પર આવેલા સનફેમ અને સનફ્યુરો બે સિરામિક ફેક્ટરીઓ પર ડીજીજીઆઈ રીજીયોનલ યુનિટે દરોડા પાડી ફિઝિકલ અને ડિજિટલ નાણાકીય વ્યવહારો ચેક કરી અને રૂ.5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લીધી છે. હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે ચોરીનો આંકડો વધવાની શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહીના પગલે રવાપર રોડ પર તેમજ મોરબીમાં આવેલા અન્ય સિરામિક યુનિટોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.


આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સિરામિક યુનિટમાં તૈયાર થતા ઉત્પાદનો પર 18 ટકા જીએસટીની વસુલાત કરવામાં આવતી હોય છે ત્યારે આ બંને કેટરીના માલિકો દ્વારા જીએસટી ભર્યા વગર લાખો રૂપિયાની સીરામિક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ડીજીજીઆઈના રાજકોટ યુનિટના અધિકારીઓને છેલ્લા કેટલાક સમયથી મોરબીના સિરામિક યુનિટો દ્વારા જીએસટી ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. જે અંતર્ગત મોરબીના રવાપર રોડ પર આવેલા સનફેમ અને સનક્યુરો સિરામીક કેટરીના સંચાલકો ડીજીજીઆઈની રડારમાં જ હતા. જેથી આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સનફેમ અને સનફ્યુરો સીરામીકના ફેક્ટરી યુનિટ પર લેપટોપ, પેન ડ્રાઈવ અને કાચી ચિઠ્ઠીઓ સહિત ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસના આધારે 10 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


આ ફેક્ટરી ઉપરાંત તેના માલિકોના રહેઠાણ તથા તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં મળી કુલ 10 સ્થળો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરેક સ્થળેથી ડિજિટલ અને ફિઝિકલ સાહિત્ય જપ્ત કરી અને ડીજીજીઆઈના અધિકારીઓ દ્વારા તપાસના અંતે રૂ.5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હતી. હજુ પણ તપાસ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કરચોરીનો આંકડો વધવાની આશંકા સૂત્રો દર્શાવી રહ્યા છે. આ બે સિરામિક યુનિટોમાં શરૂ થયેલી તપાસનો રેલો અન્ય ફેક્ટરીઓ અને ટ્રાન્સપોર્ટરો તથા વેપારીઓ સુધી પહોંચે તેમ છે. જેથી સિરામિકના ધંધાર્થીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application