તાજેતરમાં ભાવનગર શહેરમાં બનેલી એક ગંભીર ઘટના બાદ રાજ્યના વહીવટી અને પોલીસ બેડામાં ભારે હલચલ મચી જવા પામી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ એકાએક હરકતમાં આવી ગયો છે અને સમગ્ર રાજ્યમાં પ્રોહિબિશનના કડક અમલીકરણ માટે રાજ્યવ્યાપી પ્રોહિબિશન રેડ પાડવાના ખાસ આદેશો જારી કરવામાં આવ્યા છે.
આ આદેશોના પગલે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓની સતત અવરજવર વધી ગઈ છે અને ભારે હલચલ જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ આગામી પગલાંઓ અંગે મહત્વની ઉચ્ચસ્તરીય ચર્ચા કરવા માટે સચિવાલય ખાતે બેઠકમાં પહોંચ્યા હતા.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ નોંધાઈ છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય મહાનગરોનાં પોલીસ કમિશનર , સીઆઈડી ક્રાઇમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગાંધીનગર રેન્જ આઈ.જી. સહિતના દિગ્ગજ અધિકારીઓ ખાસ હાજર રહ્યા છે. દારૂના દૂષણને ડામવા અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આ અત્યંત મહત્વની બેઠક યોજાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાયદાકીય શિસ્ત વધુ સખત બનાવવા તથા પોલીસ તંત્રને વધુ સક્રિય બનાવવાની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર દારૂબંધીના કડક અમલ માટે કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરવાના મૂડમાં નથી, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં પોલીસ દ્વારા વધુ મોટા પાયે મેગા ડ્રાઇવ અને દરોડા પાડવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.