આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા મોટા ઘટાડાની અસર ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર પણ જોવા મળી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 13 નવેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 14.205 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 705.342 અબજ ડોલર થઈ ગયું છે, જે છેલ્લા ત્રણ મહિનાનું સૌથી નીચું સ્તર છે.
આના અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 2.490 અબજ ડોલરનો વધારો થયો હતો. જોકે, તાજેતરના સપ્તાહમાં વિદેશી મુદ્રા સંપત્તિ અને સોનાના ભંડાર બંનેમાં ઘટાડો નોંધાયો છે.
આરબીઆઈના સાપ્તાહિક આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના સપ્તાહમાંવિદેશી મુદ્રા ભંડારમાં ભારતની વિદેશી મુદ્રા સંપત્તિ (એફસીએ)માં 7.897 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ એફસીએનું મૂલ્ય ઘટીને 583.452 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં આ સંપત્તિમાં 232 મિલિયન ડોલરનો વધારો નોંધાયો હતો.
વિદેશી મુદ્રા સંપત્તિ દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો છે. તેમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં થતા ફેરફારોની અસર પણ સામેલ હોય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે આરબીઆઈના સોનાના ભંડારની કિંમતમાં પણ મોટો ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 6.183 અબજ ડોલર ઘટ્યું છે. હવે તેનું કુલ મૂલ્ય 98.613 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં સોનાના ભંડારના મૂલ્યમાં 2.205 અબજ ડોલરનો વધારો થયો હતો.
માર્ચ 2026ના અંત સુધીમાં આરબીઆઈ પાસે 880.52 ટન સોનાનો જથ્થો હતો. દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો આશરે 16.7 ટકા હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થતી વધઘટની સીધી અસર તેના મૂલ્ય પર પડે છે.
વિદેશી મુદ્રા ભંડારના અન્ય ઘટકોમાં પણ ઘટાડો નોંધાયો છે. આરબીઆઈના આંકડા મુજબ, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સમાં 52 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ સાથે એસડીઆર ભંડાર ઘટીને 18.517 અબજ ડોલર થયું છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) પાસે રાખવામાં આવેલા ભારતના રિઝર્વમાં પણ 32 મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. હવે આ ભંડાર ઘટીને 4.758 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં આઈએમએફ રિઝર્વમાં એક મિલિયન ડોલરનો નજીવો વધારો થયો હતો.
આમ, વિદેશી મુદ્રા સંપત્તિ, સોનાના ભંડાર, એસડીઆર અને આઈએમએફ રિઝર્વ એમ ચારેય ઘટકોમાં ઘટાડો નોંધાતાં ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે.