રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છ માટેની બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી આવતી માંગને વધુ વેગ આપવા રાજકોટ બાર એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં રાજ્ય સરકાર સમક્ષ હાઈકોર્ટ બેચની માંગણીને મજબૂત રીતે રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.રાજકોટ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થતા કુલ કેસોમાંથી અંદાજે ૪૦ ટકા જેટલા લિટિગેશન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાંથી આવે છે. છતાં આ વિસ્તારના વકીલો અને પક્ષકારોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબો પ્રવાસ કરવો પડે છે, જેના કારણે સમય, નાણાં અને શ્રમનો વધારાનો બોજ સહન કરવો પડે છે. સામાન્ય નાગરિકને હાઈકોર્ટમાં કેસ સંદર્ભે અનેક વખત અમદાવાદ જવું પડે છે. એક કેસ દરમિયાન ૬થી ૧૨ વખત સુધી મુસાફરી કરવાની ફરજ પડતી હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ ખર્ચાળ બની જાય છે. રાજકોટને સૌરાષ્ટ્ર-કચ્છનું કેન્દ્રબિંદુ ગણાવતા એસોસિએશને જણાવ્યું છે કે, અહીંથી સમગ્ર વિસ્તારમાં સરળ સંપર્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઉપરાંત રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ માટે જરૂરી જમીન અને માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. એસોસિએશને વધુમાં યાદ અપાવ્યું છે કે, ભૂતકાળમાં વિવિધ મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનોએ પણ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવાના આશ્વાસનો આપ્યા હતા, જે વચન પૂરું કરવા વર્તમાન સરકાર હકારાત્મક વલણ દાખવે છે. ત્યારે રાજકોટને હાઈકોર્ટ બેચ મળવી જોઈએ. રાજ્ય સરકાર હાલમાં હાઈકોર્ટમાં કેસોનું ભારણ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના એ દિશામાં મહત્વપૂર્ણ અને અસરકારક પગલું સાબિત થઈ શકે છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને સચિવના હસ્તાક્ષર સાથે પાઠવાયેલા આ આવેદનપત્રમાં કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે તેઓ રાજ્ય સરકાર સમક્ષ આ માંગણીને યોગ્ય રીતે રજૂ કરે, જેથી સૌરાષ્ટ્ર-કચ્છના લાખો નાગરિકોને પોતાના વિસ્તારમાં જ ઝડપી, સસ્તો અને સુલભ ન્યાય મળી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application