BREAKING NEWS

જંગલેશ્વરમાં બીજા દિવસે પણ બુલડોઝર ધણધણ્યા; બપોર સુધીમાં તમામ દબાણો તોડી પડાશે, જાણો ગઈકાલે કેટલા બાંધકામો ધ્વસ્ત થયા

  • February 24, 2026 08:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન કામગીરી આજે બીજા દિવસે પણ મક્કમ ગતિએ યથાવત રહી છે. ગઇકાલે પ્રથમ દિવસે તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરી કુલ 1,119 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જ્યારે આજે બાકી રહેલા અંદાજે 300 જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.


ગઇકાલની કામગીરીનો ચિતાર

સોમવારે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમ જંગલેશ્વરમાં ત્રાટકી હતી. વર્ષો જૂના અને ગેરકાયદેસર રીતે ખડકાયેલા કાચા-પાકા મકાનો તેમજ દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો.

આજે બીજા દિવસે સવારથી જ બાકી રહેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્રનો અંદાજ છે કે, બપોર સુધીમાં તમામ નિર્ધારિત દબાણો દૂર કરી દેવામાં આવશે. દબાણ હટાવવાની સાથે જ રસ્તા પર જમા થયેલા કાટમાળને ખસેડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ડિમોલિશન બાદ ખાલી થયેલી જગ્યાને સપાટ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે.


સાત દિવસમાં નવા રોડનું ખાતમુહૂર્ત

મનપા તંત્ર દ્વારા માત્ર દબાણ હટાવવા પૂરતું જ સીમિત ન રહીને વિકાસલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. ડિમોલિશન પૂર્ણ થયાના સાત દિવસમાં જ આ વિસ્તારમાં નવો ડામર રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ રસ્તો બનવાથી જંગલેશ્વર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને સ્થાનિકોને અવરજવરમાં મોટી સુવિધા મળશે. આ મેગા ઓપરેશનથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના કમિશનર અને અન્ય પદાધિકારીઓ આ સમગ્ર કામગીરી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News