રાજકોટ સહિત રાજ્યભરમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ ધર્મસ્થાનોના દબાણો દૂર કરવા ગુજરાત હાઇકોર્ટે કરેલા આદેશને પગલે રાજકોટ મહાપાલિકા દ્વારા ગયા મહિને ૧૨ ધર્મસ્થાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.દરમિયાન તાજેતરમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા ફરી સર્વે હાથ ધરીને વોર્ડવાઈઝ નોટિસો ફટકારવાનું શરૂ કરાયું છે જેમાં રેલનગર વિસ્તારમાં રામેશ્વર પાર્ક નજીક આવેલા લોકપ્રિય અને વિસ્તારના હજારો રહીશોની આસ્થાના કેન્દ્ર સમા સેતુબંધ રામેશ્વર મહાદેવને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા ભાવિકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હોવાનું જાણવા મળે છે.
રેલનગરના રહીશોના જણાવ્યા મુજબ, રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા સેતુબંધ રામેશ્વર મહાદેવ મંદિરને ડિમોલિશનની નોટિસ ફટકારતા રેલનગર અને રામેશ્વર પાર્ક વિસ્તારના રહીશોનું ટોળું આ અંગે રજૂઆત કરવા મેયર ડો.નેહલભાઇ શુક્લ પાસે આવ્યું હતું અને મંદિર કોઈને નડતર રૂપ થાય તેમ ન હોય તેમજ ટ્રાફીકમાં પણ ક્યાંય અડચણરૂપ ન હોય ડિમોલિશન રોકવા માટે માંગણી કરી હતી. જેના અનુસંધાને મેયરે તેમની રજૂઆત સાંભળી હવે ફરી મેયર તેમને બોલાવે ત્યારે કચેરીએ આવવા જણાવ્યું હતું.
દરમિયાન મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા અનેક મંદિરોને નોટિસ ફટકારવામાં આવી છે. સેન્ટ્રલ રાજકોટમાં અમુક મંદિરોને ફટકારેલી નોટિસ મામલે ધારાસભ્યો અને સાંસદોની ભલામણના ફોન ધણધણી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ચોમાસુ બેસી જાય પછી ડિમોલિશન કરવામાં આવતા નથી આથી ચોમાસા પૂર્વે જ વધુ એક ઓપરેશન હાથ ધરવા વિચારણા ચાલી રહી છે. ગત ડિમોલિશનની જેમ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મેળવી જાહેરમાર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ધર્મસ્થાનો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવા તૈયારી ચાલી રહી છે.
કોઠારીયા રોડ ઉપર મહાકાળી મંદિરના ડિમોલિશન સામે સ્ટે
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી બ્રાન્ચે જાહેરમાર્ગો ઉપર અડચણ રૂપ ધર્મસ્થાનો દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ધડાધડ ડિમોલિશનની નોટિસો ફટકારવામાં આવી રહી છે, દરમિયાન કોઠારીયા રોડ ઉપર આવેલા મહાકાળી મંદિરનું ડિમોલિશન કરવા નોટિસ આપતા માંઇ ભક્તોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ડિમોલિશન સામે સ્ટે ઓર્ડર મેળવી લાવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.