રાજકોટ શહેર નજીક આવેલા બેડીથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તે દરગાહ પાસેના ચેકડેમમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં પાણીમાં નાહવા પડેલા ત્રણ નાના બાળકો અને એક યુવક સહિત કુલ ચાર લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકો રાજકોટના ભગવતીપરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક મોહલ્લામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટના બાદ તરત જ સ્થાનિક લોકો દ્વારા પાણીમાં ડૂબેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય કમનસીબ મૃતકોની સત્તાવાર ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં ૧૮ વર્ષીય સાહિલ અભેશોરા, ૧૦ વર્ષીય સોહન અભેશોરા, ૫ વર્ષીય સેફુ અભેશોરા અને ૧૦ વર્ષીય અલીફા અભેશોરાનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. એક જ ઘરમાંથી ત્રણ માસૂમ બાળકો અને એક યુવકનું એકસાથે પાણીમાં ગરકાવ થઈ જવાથી અકાળે અવસાન થતાં અભેસરા પરિવાર પર જાણે આભ ફાટ્યું છે.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ તથા આગળની કાનૂની કાર્યવાહી માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ અને આસપાસના લોકોના મોટા ટોળાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ કેમ્પસમાં પરિવારજનોના હૈયાફાટ રૂદન અને આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
એકસાથે ઘરના ચાર-ચાર દીવડા બુઝાઈ જતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે. ખુલ્લા જળાશયો કે ચેકડેમમાં નાહવા જતી વખતે થતા અકસ્માતોએ ફરી એકવાર માસૂમ જીવોનો બલિ લીધો છે. પોલીસ વિભાગ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.