BREAKING NEWS

સ્કૂલોમાં અને તેની આસપાસ 100 મીટરના વિસ્તારમાં જંકફૂડ પર પ્રતિબંધ મુકોઃ ગુજરાત શાળા સંચાલક મહામંડળની શિક્ષણમંત્રીને રજૂઆત

  • August 16, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળા પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ તથા ખાંડવાળા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પાડતા આ ખોરાકને દૂર કરી શાળાઓમાં સાત્વિક વાતાવરણ ઊભું કરવા સંગઠન દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે.


આ રજૂઆત દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની ૫૦ મીટરની ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો ખાસ હવાલો આપ્યો છે. મહામંડળે હિમાયત કરી છે કે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રાખવા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે. બાળકો ૩ વર્ષની નાની વયે શાળામાં પ્રવેશે છે અને ૧૮ વર્ષ સુધીનો તેમનો સૌથી મહત્વનો સમય અહીં વિતાવે છે. આ વય દરમિયાન જ તેઓ આહાર અને જીવનશૈલીની કાયમી આદતો ગ્રહણ કરતા હોય છે. તેથી શારીરિક નુકસાન પહોંચાડતા જંક ફૂડને બદલે શાળાની કેન્ટીનોમાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક ઉપલબ્ધ કરાવવો અત્યંત જરૂરી છે.


બાળકોના ભવિષ્યના સુદ્રઢ ઘડતર માટે આધુનિક નાસ્તાને સ્થાને અગાઉની જેમ જ સીંગ, ચણા, મમરા અને સેવ જેવા દેશી તથા પૌષ્ટિક આહારને ફરીથી પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહામંડળનું માનવું છે કે આવા પારંપરિક નાસ્તા બાળકોને જરૂરી પોષણ પૂરું પાડે છે અને પ્રોસેસ્ડ ફૂડના રોગોથી મુક્ત રાખે છે. આ નવી આહાર વ્યવસ્થાને શાળાઓમાં પુનઃજીવિત કરવા માટે એક સુગ્રથિત અને સ્પષ્ટ યોજના બનાવવાની માંગ પત્રમાં કરવામાં આવી છે.


આ નવી વ્યવસ્થાને પારદર્શક અને અસરકારક બનાવવા માટે મહામંડળે સરકાર પાસે એક કડક SOP તૈયાર કરવાની માંગ કરી છે. આ સૂચન અનુસાર, શાળાની તમામ કેન્ટીનોનું સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જોઈએ. આ રજીસ્ટ્રેશનથી કેન્ટીનની ગુણવત્તા પર સરકારી તંત્રની સીધી નજર રહેશે અને બિનઅધિકૃત રીતે ચાલતી કેન્ટીનો પર લગામ કસી શકાશે.


કેન્ટીનમાં બાળકોને શું પીરસવામાં આવે છે તેની સમયાંતરે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર તપાસ થવી જોઈએ. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયામાં જાગૃત વાલીઓની ટીમ પણ સીધી દેખરેખ રાખે તે હિતાવહ છે. જો કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા કેન્ટીન સંચાલક આ નિયમો અને કડક SOPનું પાલન ન કરે, તો તેમની સામે સખત શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી સાથે પત્રનો અંત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application