BREAKING NEWS

કોમનવેલ્થ ગેમ્સની તૈયારી: વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન કરાયું

  • November 29, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે આજે વહેલી સવારથી મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.



મળતી માહિતી મુજબ મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે રહીશોની આ અરજી નકારી દીધી હતી, જેના પગલે કોર્પોરેશન માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરાયું હતું.



નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડોના ખર્ચે એસવીપી એન્કલેવ બનવાનું હોવાથી આ વિસ્તારને ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધોના ટીપી રોડને ખુલ્લો કરવા માટે બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના કુલ 29 જેટલા મકાનો આડે આવતા હતા.


સાબરમતી વિસ્તારમાંથી પસાર થતાં અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા 24.0 મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળદેવનગરના કુલ 29 જેટલા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.


આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News