BREAKING NEWS

દરેક સમાજે ખોડલધામ પાસેથી આ શિખ લેવી જોઈએ..ડે. CM હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ

  • November 16, 2025 02:59 PM 


ખોડલધામ ખાતે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે દરેક સમાજે ખોડલધામ પાસેથી આ શિખ લેવી જોઈએ. આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદે ભારે ત્રાસ મચાવ્યો છે, જેના કારણે ખેડૂતોને વિશાળ નુકસાન સહન કરવું પડ્યું છે. “ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એટલું પૂરતું નથી. અમે ખોડલ માતાજી પાસે પણ પ્રાર્થના કરી છે કે ખેડૂતો પર આવેલી આ મુશ્કેલી ઝડપથી દૂર થાય.”


ખોડલધામ સમાજ માટે અનેક કાર્ય કરે છે

તેમણે આગળ ખોડલધામ સંસ્થાનું વિશેષ બિરદાવ્યું. સંઘવીએ જણાવ્યું કે ખોડલધામ ટ્રસ્ટ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી સીમિત નથી, પરંતુ સમાજ માટે અનેક કાર્ય કરે છે. ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વૈદિક લગ્નની પરંપરાને તેમણે સમાજ માટે આદર્શ ગણાવી. સંઘવીએ જણાવ્યું કે વૈદિક વિધિ મુજબ થતા લગ્ન માત્ર સાદગી, સંસ્કાર અને સંકલ્પને પ્રાથમિકતા આપે છે, જેના કારણે સમાજમાં સકારાત્મકતા વધે છે.


તમામ સમાજોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ

“ખોડલધામ ઘણા સમયથી યુગલોના વૈદિક લગ્ન સંભારંભો સફળતાપૂર્વક યોજી રહ્યું છે. આ પહેલ ખરેખર અનુસરણ છે. તમામ સમાજોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નવિધિઓમાં સાદગી તથા ભારતીય સંસ્કૃતિને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ,” એમ હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું.


હર્ષ સંઘવી સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જોવા મળ્યા

આજે થયેલા તેમના દર્શન પ્રવાસ દરમિયાન સંઘવીએ ખોડલધામના સેવાકાર્યોની પ્રગતિ પણ જાણી અને ટ્રસ્ટના તમામ સેવકોને અભિનંદન પાઠવ્યા. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ વધુ એકતા સાથે વિકાસના માર્ગે આગળ વધે તેવી પ્રાર્થના સાથે તેમનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. હર્ષ સંઘવી સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જોવા મળ્યા હતા. આથી રાજકીય ક્ષેત્રે પણ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application