ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન-મિલકતના દસ્તાવેજ, વેચાણ અને ફેરફાર નોંધની મંજૂરીની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જાહેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ ઓ પી) અનુસાર, હવેથી જમીન મહેસૂલ નિયમો હેઠળ ડેપ્યુટી મામલતદારો (સર્કલ ઓફિસર) ફિઝિકલ કાગળો ગાયબ કરીને કે મનસ્વી બહાના હેઠળ મહેસૂલી નોંધો નામંજૂર કરી શકશે નહીં. કાયદાકીય સુધારા બાદ મહેસૂલ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર નોંધ નિકાલ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન (ઈ-ફાઈલિંગ) બનશે.
રાજ્યના મહેસૂલ વિભાગે ૧લી એપ્રિલના રોજ વટહુકમ બહાર પાડીને જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-D માં સુધારો કર્યો હતો. આ સુધારા મુજબ, જો કોઈ જમીન ફેરફાર નોંધ એક વર્ષ કે તેથી વધુ સમયથી પડતર ન હોય, કોઈ લિટિગેશન કે દાવો ન હોય, અને શાંતિપૂર્ણ કબજો હોય તેવા કિસ્સાઓમાં ૭/૧૨ના તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી આપી હોય, તો ૧૩૫-D ની નોટિસ આપોઆપ નિરસ્ત (રદ) થઈ જશે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ એચ.સી. પટેલની સહીથી પ્રસિદ્ધ થયેલા આ પરિપત્રથી સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ થયું છે.
હવેથી ઈ-ધરા કેન્દ્રોમાંથી સર્કલ ઓફિસરોને એક પણ ફિઝિકલ કાગળ મોકલવામાં આવશે નહીં. દસ્તાવેજ સહિતની તમામ હકપત્રકની વિગતો ઈલેક્ટ્રોનિક ફાઈલ સ્વરૂપે જ ઓનલાઈન ટ્રાન્સફર થશે. ઈ-ધરામાં નામ દાખલ થયા બાદ સિસ્ટમ દ્વારા આપોઆપ ૧૩૫-D નોટિસ જનરેટ થશે અને તે સીધી સર્કલ ઓફિસરના લોગિનમાં જશે. જો ૪૫ દિવસમાં કોઈ વાંધો ન આવે, તો સર્કલે નિર્ણય લઈ ઈ-ફાઈલ પરત ઈ-ધરાના લોગિનમાં મોકલવી પડશે. જો કોઈ વાંધો હોય તો તે ફાઈલ પ્રાંત ઓફિસરના લોગિનમાં જશે અને ત્યાંના નિર્ણય બાદ ઈ-ધરા મારફતે રેકોર્ડ પર લેવાશે.
આ નિર્ણયના કારણે ત્રણ શરતોને આધીન ૧૩૫-D ની નોટિસ નિરસ્ત થતાં જ માત્ર ૨૪ કલાકમાં વેચાણ કે ફેરફાર નોંધ મંજૂર થઈ શકશે જેથી સમયની બચત થશે. 'વેબ-ભૂલેખ સોફ્ટવેર' ના કારણે વહીવટમાં પારદર્શિતા આવશે. ઈ-ધરાથી લઈને સર્કલ, પ્રાંત કે મહેસૂલ વિભાગ સુધી કઈ ફાઈલ કોની પાસે કેટલો સમય પડતર રહી, તે હવે માત્ર એક ક્લિકથી જાણી શકાશે.
અગાઉ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સમાંથી પેઢીનામું કે ખેડૂત સર્ટિફિકેટ જેવા કાગળો ગાયબ કરીને નોંધો નામંજૂર કરવાનો ખેલ ચાલતો હતો, જે હવે ઈલેક્ટ્રોનિક વૉચ અને ઓનલાઇન રેકોર્ડના કારણે સંપૂર્ણપણે બંધ થઈ જશે.પરિણામે નાગરિકોને મોટી રાહત મળશે. સરકારી કચેરીઓના ધક્કા, વચેટિયાઓની ચુંગાલ અને ખોટી માંગણીઓમાંથી ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને કાયમી મુક્તિ મળશે.
આ નવો કાયદાકીય પરિપત્ર ગુજરાતમાં જમીન વહીવટને વધુ સુદ્રઢ, ડિજિટલ અને લોકાભિમુખ બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.