ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સેક્ટર 17માં નવા સદસ્ય નિવાસ બાંધી લક્ઝુરિયસ ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા છે. આમ છતાં લાંબા સમય બાદ પણ કેટલાંક ધારાસભ્યોએ જુની કોલોનીમાં તેમને મળેલા ફ્લેટ પર કબ્જો જમાવી રાખ્યો છે. વધુમાં નોટિસ આપવામાં આવ્યા બાદ પણ 40 જેટલા ધારાસભ્ય ગાંઠતા જ નહીં હોવાથી તંત્ર પાસે મૌન ધારણ કરવા સિવાયનો રસ્તો રહ્યો નથી.
રૈયતના રાજાઓ દ્વારા સરકારી મિલ્કતનો અંગત ઉપયોગ કરવાની વાત હવે નવી રહી નથી. વ્યક્તિ કે શાશકોની પુજામાં જ તંત્રનું હિત પણ જળવાયેલુ રહેતું હોવાથી આવા કિસ્સામાં સીધો આર્થિક બોજ નાગરિકોના ખિસ્સા પર વધતો રહે છે. સેક્ટર 21માં સ્થિત જુના સદસ્ય નિવાસ સાબુત હોવા છતાં સેક્ટર 17માં સરકારી આવાસ પાડવાની સાથે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખીને નવા સદસ્ય નિવાસનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમાં તમામ સુવિધા સાથેના ફ્લેટ ધારાસભ્યોને ફાળવી દેવાયા તેને વખત વીતી ગયો છે. આ ફાળવણી સમય મર્યાદામાં જુના ફ્લેટ પરત સોંપવાની શરત સાથે કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક ધારાસભ્યોએ નિયમની ઐસી કી તૈસી ચાલુ રાખી છે. છેલ્લે તંત્ર દ્વારા વિનંતિ નોટિસો પણ ફટકારવામાં આવ્યા છતાં નવો અને જુનો એમ બે-બે ફ્લેટ જાળવી રાખવાના તાગડધિન્ના ચાલુ રખાયાં છે. એવી વાત પણ સરકારી વર્તુળમાં ચાલી રહી છે, કે તેઓ યોગ્ય પ્રતિભાવ પણ આપતાં નથી.
જુની કોલોનીમાં અન્યોને ફાળવણી અટકી અને જાળવણી ખર્ચ યથાવત
જુના સદસ્ય નિવાસના ફ્લેટ્સ વપરાશને યોગ્ય હોવાની વાત સુત્રોમાં ચર્ચાઇ રહી છે. પરંતુ જો કથિત ધુરંધરો જુના ફ્લેટ ખાલી કરે તો આખી કોલોનીનું રિનોવેશન હાથ ધરી શકાય તેમ છે. આ કામગીરી પુરી થયા બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓને તે ફ્લેટ્સ રહેવા માટે આપી શકાય છે. પરંતુ તેમ થઇ રહ્યું નથી. મફતમાં મ્હાલવાની માનસિકતા સરવાળે પ્રજા માથે ભારે પડી રહી છે. ત્યારે સરકારી વર્તુળમાં જ આ સ્થિતિને ધારાસભ્યોની મનમાની કહેવી કે, સરકારી તંત્રની નાકામી ગણવી તેવો સવાલ ઉઠ્યો છે.