BREAKING NEWS

ફ્રીઝ ખોલતા જીવાત, વંદા અને ઉંદર નીકળ્યા: રાજકોટમાં દેવ ફાસ્ટ ફૂડમાંથી ૧૩૨ કિલો અખાદ્ય જથ્થો મળ્યો, સીલ કરી 10 હજારનો દંડ વસૂલ્યો

  • September 29, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પકડવા સર્વેલન્સ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત ખાણી પીણીની ૩૮ પેઢી-રેસ્ટોરન્ટની તપાસ કરી ૧૪૭ કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરી કુલ ચાર પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી કુલ રૂ.૧૪ હજારનો દંડ વસુલી એક પેઢી સીલ કરાઇ હતી તેમજ ત્રણ સેમ્પલ લઇને આપી વસૂલવામાં આવેલ તેમજ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.


મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, નિર્મલા રોડ ઉપર આઇસીઆઇસીઆઇ બેન્ક સામે, અભિજિત એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોપ નં.૪માં કાર્યરત દેવ ફાસ્ટ ફૂડ પેઢીમાં ચેકિંગ કરતા ત્યાં આગળ સ્થળ ઉપર ફ્રીઝ, સ્ટોરેજ તથા પ્રિપેરેશન એરિયામાં અનહાઈજેનિક કન્ડિશન સ્ટોરેજ કરેલ વાસી તથા પડતર અખાદ્ય ચીજો જોવા મળી હતી. સ્થળ ઉપર ફ્રીઝમાં તેમજ સ્ટોરેજ એરિયામાં વાંદાઓ, જીવાત તેમજ ઉંદરનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જેથી સ્થળ ઉપર તપાસ કરતાં પડતર સડેલી ડુંગળીનો ૪૦ કિલો જથ્થો, ગ્રેવી-પ્રિપેર્ડ મસાલો, ચટણી અને બાફેલા શાકભાજીનો ૪૫ કિલોજથ્થો, રાઈસ, નૂડલ્સ, મંચૂરિયન અને કાપેલા શાકભાજીનો ૩૪ કિલો જથ્થો, પડતર સોસ તથા લોટનો ૧૩ કિલો જથ્થો અખાદ્ય- વાસી હોવાનું માલૂમ પડતા કુલ મળીને ૧૩૨ કિલો અખાદ્ય ખોરાકન સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢી પાસેથી રૂ.૧૦ હજારનો દંડ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ નિયમિત પેસ્ટ કંટ્રોલ બાબતે નોટિસ આપવામાં ફટકારવામાં આવી હતી.


ઉપરોક્ત ઉપરાંત અન્ય પેઢીઓમાં પણ ચેકિંગ કરાયું હતું જેમાં વિજય શીંગ સેન્ટર, શક્તિ ઇન્ડ. એરીયા, શેરી નં.૩, મ્યુનિ. આરોગ્ય કેન્દ્ર પાછળ, સંતકબીર રોડ ખાતેથી વિજય શિંગ રોસ્ટેડ પી નટ્સ અને રોસ્ટેડ ચણાના સેમ્પલ લઇ નોટિસ ફટકારી રૂ.બે હજારનો દંડ વસુલ્યો હતો. જ્યારે શ્રીજી ફાસ્ટફૂડ, પવિત્રા હાઇટ્સ, શોપ નં.૪, ઓમકાર સ્કૂલ સામે, રોલેક્સ રોડ,રાજકોટ પેઢીને હાઇજેનિક કન્ડિશન તેમજ સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી હતી. ફ્રીજમાં સંગ્રહ કરેલ ૪ કિલો પડતર-વાસી મીઠી ચટણી, છ કિલો પડતર-વાસી વડાપાઉ માટેનો મસાલો કુલ મળી ૧૦ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરાયો હતો તેમજ રૂ.બે હજારનો દંડ વસૂલ્યો હતો.


છાશવાલાને નોટિસ

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૪માં ઢેબર રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલી પેઢી કિસ્મત એન્ટરપ્રાઇઝ (છાશવાલા)ને નોટિસ ફટકારી ત્યાંથી ફૂડ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ચોકલેટ લસ્સીનો નમૂનો લેવાયો હતો જે પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાયાનું મ્યુનિ.સ્ટાફે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News