BREAKING NEWS

રાજકોટથી ખાસ ટ્રેનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણીમાં શ્રધ્ધાળુઓ રવાના થયા

  • January 10, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સંસ્કૃતિની અસ્મિતા અને અતૂટ આસ્થાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સ્વાભિમાન અને અતૂટ આસ્થાના એક હજાર વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગત રાત્રે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી સોમનાથ જતી વિશેષ શ્રદ્ધાળુ ટ્રેનને ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પરંપરાગત રીતે શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે રેલવે સ્ટેશન 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ સાથે શિવભક્તિના રંગે રંગાયું હતું.

રેલવે સ્ટેશન ખાતે બેન્ડ પાર્ટીના સુરાવલી, ડમરુના નાદ અને કરતાલની ગૂંજ વચ્ચે યાત્રાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ટ્રેનના ડબ્બાઓમાં રૂબરૂ જઈ શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને તેમની સુખ-સુવિધા અંગે પૃચ્છા કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સ્વાભિમાન પર્વમાં રાજ્યના ખૂણે-ખૂણેથી લોકો જોડાઈ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરા એમ કુલ ચાર મુખ્ય કેન્દ્રો પરથી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ તેમજ અગ્રણીઓ માધવભાઈ દવે, બીનાબેન આચાર્ય, પ્રદીપભાઈ ડવ અને કમલેશભાઈ મીરાણી, લાખાભાઈ સાગઠીયા, કાશ્મીરાબેન નથવાણી, જયેશભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ તેમજ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ચેતન નંદાણી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી યાત્રાળુઓને મંગલમય યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application