રાજકોટ એરપોર્ટ પર વહીવટી સ્તરે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટ એરપોર્ટને નવા ડાયરેક્ટર મળ્યા છે. જામનગર એરપોર્ટ પરથી ધનંજય કે. આર. સિંગની રાજકોટ એરપોર્ટ ખાતે બદલી કરવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પર એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.
નવી નિમણૂક અનુસાર, હવે ધનંજય કે. આર. સિંગ રાજકોટના હિરાસર ખાતે આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની સમગ્ર કામગીરી અને વહીવટી જવાબદારી સંભાળશે. આ નવા નેતૃત્વ સાથે રાજકોટ એરપોર્ટ પર એવિએશન અને મુસાફરોની સુવિધાઓને વધુ વેગ મળે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહની બદલી કરવામાં આવી હતી. આથી આ જગ્યા પર હવે ધનંજય કે.આર. સિંગને મુકવામાં આવ્યા છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સલાહકાર સમિતિની બેઠક રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એરપોર્ટના સંચાલન અને વિકાસને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકે એરપોર્ટને લગતી બાબતો પર વિચાર-વિમર્શ કરવા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું.
બેઠક દરમિયાન રોજ હવાઈ સફર કરતા 3000થી વધુ મુસાફરો મોબાઈલ નેટવર્કના અભાવે ભારે મુશ્કેલી ભોગવી રહ્યાનો પ્રશ્ન સામે આવ્યો હતો. આ ઉપરાંત પિકઅપ અને ડ્રોપ લેન અલગ કરવામાં આવે તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એરપોર્ટ ટર્મિનલના મોટાભાગના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ન હોવાને લીધે ફોન કોલ્સ લાગતા નથી. તાજેતરમાં મોબાઈલ નેટવર્કના ટાવર નાખવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક પણ એજન્સી દ્વારા આ ટેન્ડર ભરવામાં ન આવતા હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવું જાહેર થયું હતું. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગલોર, પુના સહિતની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટેના પ્રોગ્રેસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પેસેન્જર ફ્લાઇટમાં કાર્ગો સર્વિસ શરૂ થઈ ગઈ તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાહેર થયું હતું.
ધનંજય કે.આર. સિંગ 13 ઓક્ટોબરે ચાર્જ સંભાળશે
જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ધનંજય કે.આર. સિંગની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓ આગામી 13 ઓક્ટોબરના ચાર્જ સંભાળશે. જેમની સમક્ષ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે. આ ઉપરાંત એરપોર્ટ ટર્મિનલ પર મોબાઈલ નેટવર્કની સમસ્યા સાથે હવાઈ મુસાફરોને સસ્તી ખાણીપીણીની સુવિધા સાથે પાર્કિંગ અંગેની સચોટ નીતિ બનાવવી મહત્વપૂર્ણ બની રહેશે.
દિગંત બોરાહ રાજકોટના જૂના એરપોર્ટ પર 15 નવેમ્બર, 2020 થી 8 સપ્ટેમ્બર, 2023 સુધી તો 9 સપ્ટેમ્બર, 2023 થી અત્યાર સુધી એટલે કે 5 વર્ષથી વધુ સમયથી તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી છે. ગ્રેડ -3 હેઠળના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ ઇન્ટરવ્યૂ મારફત તેમનું જોઈન્ટ જનરલ મેનેજરમાંથી જનરલ મેનેજર તરીકે પ્રમોશન થયું છે. હવે તેમને ગ્રેડ-2 હેઠળના મોટા એરપોર્ટ જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગલોર કે વારાણસી એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ સોંપવામાં આવશે. જોકે તેનો સર્ક્યુલર હજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયો નથી.