પડધરી આવેલા ઉત્તરાખંડના શખસે ચિક્કાર દારૂ ઢીંચી રેસીંગ ટ્રેક માફક કાર ચલાવી: ગાયકવાડી વિસ્તારમાં લોકોને હડફેટે લીધાં બાદ જંકશન ચોકી પાસે પોલીસે રોકવાનો પ્રયાસ કરતા તેમને પણ ઠોકરે લીધા
જંકશનમાં નશાખોર કારચાલકે બે પોલીસમેનને હડફેટે લઇ બાઈક ૨૦૦ મીટર ઢસડયું હતું. પડધરી કામે આવેલ ઉત્તરાખંડના શખસે રાજકોટમાં ચિક્કાર દારૂ ઢીંચ્યા બાદ રસીંગ ટ્રેક માફક કાર ચલાવી હતી. ગાયકવાડી વિસ્તારમાં કેટલાક લોકોને હડફેટે લીધાં બાદ જંકશન ચોકી પાસે પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં તેમને પણ ઠોકરે લીધા હતાં. સદભાગ્યે પોલીસ કે કોઈ લોકોને ઈજા પહોંચી ન હતી. જે બાદ પ્ર..નગર પોલીસે ચાલકને ઝડપી કાર કબજે કરી હતી.
બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર વનરાજભાઈ બોરીચાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નીપુણકુમાર મદન સીંગ (ઉ.વ.૩૫, રહે.હાલ ડાંગરા ગામ,પડધરી, મુળ રહે.અજાબપુર ખુર્દ સરસ્વતી વીહાર દહેરાદુન, ઉતરાખંડ) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા કોન્સ્ટેબલ રીયાજભાઈ ભીપૌત્રા પોલીસ સ્ટેશન વીસ્તારમા પેટ્રોલીંગમા હતા તે વખતે તેઓ બાઈક ચલાવતા હતા. રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ જંકશન પ્લોટ મેઈન રોડ ઉપર જંકશન પોલીસ ચોકીની સામે પહોચતા એક ફોર વ્હીલ કાર ચાલક પોતાની કાર પુરઝડપે બેફીકરાઈથી જંકશન પોલીસ ચોકી તરફથી ચલાવી આવતો હોય અને તેને રોકવાનો પ્રયાસ કરતા બાઇક સહિત હડફેટે લઈને નીચે પછાડી દીધેલ અને આશરે ૨૦૦ મીટર સુધી જંકસન મેઈન રોડ પર બાઇકને ઢસડેલ હતું.
બાદમા બંન્નેને શરીરના ભાગે સામાન્ય મુંઢ ઈજા થઇ હતી. આ કારની હડફેટે બાઈક આવી ગયુ હોવાથી બાઈકમાં નુકશાની થઇ હતી અને અકસ્માત થતા આજુ બાજુમાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. બાદમાં પોલીસમેને કાર પાસે જઈ કાર ચાલકને નીચે ઉતારીને તેનુ નામ પુછતા પોતે પોતાનુ નામ નીપુણકુમાર મદન સીંગ હોવાનુ થોથરાતી જીભે જણાવ્યું હતું.
કાર ચાલકના મોઢામાથી કેફી પ્રવાહીની વાસ આવતી હોય અને પોતે પોતાના શરીરનું સમતોલન પણું જાળવી શકતા ન હોય જેથી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સફેદ કલરની સ્કોડા રેપીડ કાર નં જીજે-01-આરવી-1401 કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, કારચાલક મૂળ ઉત્તરાખંડનો વતની છે અને અહીં તે પડધરી પંથકમાં કોઈ કામ અર્થે આવ્યો હતો. રાતે તે રાજકોટ જમવા આવ્યા બાદ દારૂનો ચિક્કાર નશો કર્યો હતો. જે બાદ તેને ગાયકવાડી વિસ્તારમાં બે થી વધુ લોકોને હડફેટે લીધા બાદ જંકશન ચોકી તરફ આવ્યો હતો. ત્યારે બે પોલીસમેનોએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા તેમને પણ હડફેટે લીધા હતાં.
ઢેબર રોડ પર હોસ્પિટલ કર્મી મહિલાને કારે ઠોકરે લીધા
શ્રમજીવી સોસાયટી શેરી નંબર ૦૪ નો ખૂણો જૂની શીવાની હોસ્પિટલ ઢેબર રોડ બહેરામૂંગા સ્કૂલની સામે બીજેપી કાર્યાલયની (ગ્રામ્ય) બાજુમાં રહેતાં મીનાબેન રમેશભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયા (ઉં.વ.૫૧) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શિવાની હોસ્પિટલ ઢેબર રોડ ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે તેઓ નોકરી શિવાની હોસ્પિટલમાં પૂરી કરી હોસ્પિટલમાંથી બહાર નીકળેલ અને ઘરે જવાનું હોય જેથી રસ્તો ક્રોસ કરીને આગળ જતા ઢેબર રોડ ઉપરથી ફોરવીલ ગાડી કાળા કલરની પુરપાટ ઝડપે ધસી આવી હતી અને તેમને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. જે અંગે કાળા કલરની સ્વીફ્ટ નં. જીજે ૦૩ સીડબલ્યુ 0973 ના ચાલક કેવલ ગીરીશ રાજપરા સામે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.