72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વનું નિવેદન આપ્યું છે. ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને દેશના મુખ્ય પર્યટન સ્થળો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે આ વખતે એવોર્ડ સમારોહ દિલ્હીની બહાર ગુજરાતના કેવડિયા ખાતે યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યા છે. આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જાહેર થયો છે. આ ઉપરાંત 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ 'શ્રીકાંત'ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
દિલ્હીની બહાર આ પ્રકારના મોટા રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ સમારોહ યોજવા પાછળના કારણો સ્પષ્ટ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમારું મુખ્ય લક્ષ્ય દેશના તમામ મુખ્ય પર્યટન સ્થળો સુધી પહોંચવાનું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીં આવેલું હોવાથી આ વખતે આ ભવ્ય સમારોહ કેવડિયા ખાતે યોજાઈ રહ્યો છે, અને આગામી સમયમાં આવા એવોર્ડ સમારોહ અન્ય પર્યટન સ્થળો પર પણ યોજવામાં આવશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તમામ રાજ્યોએ તેમના શ્રેષ્ઠ પર્યટન સ્થળો પસંદ કરીને કેન્દ્ર સરકારને મોકલવા જોઈએ, જેમાંથી યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવશે. જ્યારે દેશ-વિદેશના ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ આવા સ્થળોની મુલાકાતે પહોંચશે, ત્યારે તે પ્રવાસન સ્થળનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રચાર થશે. આ નિર્ણયને કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ પહેલ પાછળનો હેતુ માત્ર અને માત્ર 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવનાને વેગ આપવાનો અને દેશના પર્યટન ક્ષેત્રને મજબૂત કરવાનો છે.