આજે 22 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉનામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર વાહનો ડૂબી ગયા હતા અને પાણીના પ્રવાહને કારણે દુકાનોની બહાર રાખેલો સામાન પણ તણાવા લાગ્યો હતો. આ ઉપરાંત અમરેલીના રાજુલામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જ્યારે ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની છે. આગામી 2 થી 3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. જોકે, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે. આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ચેતવણી છે.
ઉનામાં રેકોર્ડબ્રેક વરસાદ: ઉનામાં માત્ર એક કલાકમાં 67 મિમી (2.63 ઇંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા છકડો અને બાઈક પાણીમાં ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
વેપારીઓનો સામાન તણાયો: ઉનાની આનંદ બજારમાં ભારે વરસાદના પાણી વહેવા લાગતા એક વેપારીની દુકાનનો માલ-સામાન પાણીમાં તણાઈ ગયો હતો. તેમજ વરસીંગપુર રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.
મહુવા અને રાજુલામાં જામ્યો માહોલ: ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારો જેમ કે વડલી ગામ, વાઘનગર અને ભૂતેશ્વરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકામાં ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 36 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત રાજુલા શહેર અને આસપાસના આગરીયા, માંડરડી, ઝાપોદર, ખાખબાઈ તથા કૂંભારીયા સહિતના ગામોમાં પણ પવન સાથે સારો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની સિસ્ટમ અંગે માહિતી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ તીવ્ર બનીને વેસ્ટ-સેન્ટ્રલ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં તે ડીપ ડિપ્રેશન બનવાની પણ સંભાવના છે, જે આગળ વધીને આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. હાલ જમ્મુ આસપાસના ક્ષેત્રમાં સિસ્ટમ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.