રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ચકચાર મચી ગઈ છે. ગોંડલના રીબડામાં તાજેતરમાં બનેલા ચકચારી ફાયરિંગ અને મારામારી પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર અને મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની પોલીસે તેની જ વાડીમાંથી ધરપકડ કરી લીધી છે. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે અને પોલીસ દ્વારા કડક પૂછપરછ તથા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બકરા ચરાવવા જેવી સામાન્ય બાબતે થયો હતો લોહિયાળ હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 3 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10:30 થી 10:45 વાગ્યાના અરસામાં ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ડૉક્ટર પંપના કારખાના પાછળ આવેલા પ્લોટમાં રહેતા દેવીપૂજક પરિવાર પર પાંચથી છ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. ફરિયાદી મમતાબેન સોલંકીના પરિવાર દ્વારા બકરા પાળવામાં આવે છે, અને તેમના ગોવાળ ભીમાભાઈ બકરા ચરાવવા ગયા હતા ત્યારે તે રીબડા ગામના રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ઘૂસી ગયા હતા. આ સામાન્ય બાબતનો અંગત ખાર રાખીને આરોપીઓએ હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
ઘરમાં ઘૂસીને આડેધડ માર માર્યો અને હવામાં ફાયરિંગ કર્યું
આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. રીબડા), સમીર તેમજ અન્ય શખ્સો એકસંપ થઈને કાળા રંગની ગાડી અને મોટરસાઇકલ પર ધસી આવ્યા હતા. તેઓએ ઘરમાં બળજબરીથી ઘૂસીને પરિવારના સભ્યોને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં ફરિયાદીના મુકબધીર દિયરને માથા તથા શરીરના અન્ય ગંભીર ભાગો પર લોખંડના પાઇપ અને લાકડીઓથી ફટકારવામાં આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત, ભીમાભાઈ પર પણ લોખંડના પાઇપથી ઘાતક હુમલો કરાયો હતો. આતંક મચાવનાર આ શખ્સોએ ભય અને ત્રાસ ફેલાવવાના હેતુથી હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને જતા-જતા ધમકી આપી હતી કે જો હવે પછી બકરા ખેતરમાં દેખાશે તો જીવતા નહીં છોડીએ.
અગાઉ પાંચ આરોપીઓ પકડાયા હતા, હવે મુખ્ય આરોપી સકંજામાં
આ ગંભીર બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ પોલીસે તપાસ કરીને કરણ સુનિયા બામણીયા (રહે. વરજર ગામ, ભાભરા, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે. શાપર-વેરાવળ), સમીર કાસમ વિસળ (રહે. હડમતીયા, ભેસાણ), સુરેશ ઉર્ફે સજુભા રવજી ઝાલા (રહે. ગુંજાલા, દેત્રોજ), તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરને હસ્તગત કર્યા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી સમીર વિરુદ્ધ અગાઉ જુગારધારાનો કેસ નોંધાયેલો હોવાનું પણ બહાર આવ્યું હતું. હવે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજા પોલીસ પકડમાં આવી જતા સમગ્ર પ્રકરણના અન્ય રહસ્યો પરથી પણ પડદો ઉંચકાઈ શકે છે.