BREAKING NEWS

જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૮ વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા

  • October 09, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૮ વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા

પોલીસે માત્ર ૩૫ દિવસમાં પુરાવાલક્ષી ચાર્જશીટ રજૂ કરી દાખલારૂપ કામગીરી કરી
​​​​​​​

તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી

 
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિતાને ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ ટીમ અને ન્યાય તંત્રને અભિનંદન પાઠવ્યા



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કડક અમલીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં નામદાર પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા (મૃત્યુદંડ) ફટકારી છે.

વર્ષ ૨૦૨૫ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી નિર્મમ હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો.

આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર ૩૫ દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

નામદાર પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા કુલ ૨૩ સાહેદો અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા (મૃત્યુદંડ), પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા ₹૫૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application