સૌરાષ્ટ્રના હાર્દ સમાન રંગીલા રાજકોટમાં આજે ધુળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ રાજકોટિયન્સ રંગોના ઉત્સવમાં તરબતર જોવા મળ્યા હતા. શહેરની શેરીઓ, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો ગુલાલ અને વિવિધ રંગોથી રંગાઈ ગયા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ અબિલ-ગુલાલની છોળો ઉડાડતા નજરે પડ્યા હતા. રાજકોટમાં પોલીસ પરિવારોએ ધૂળેટીની કરી ઉજવણી કરી હતી. રંગબેરંગી કલરથી એકબીજાને રંગ્યા હતા.
પાર્ટી પ્લોટ્સમાં ડીજે અને પુલ પાર્ટીનો ક્રેઝ
આ વર્ષે રાજકોટમાં ધુળેટી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ મોટા પાયે હોલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ અને મોરબી રોડ પર આવેલા ફાર્મ હાઉસ અને ક્લબોમાં યુવાનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
ડીજે પાર્ટી: પ્રખ્યાત ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું. બોલિવૂડના હોલી સ્પેશિયલ ગીતો પર લોકો ઝૂમતા જોવા મળ્યા હતા.
પુલ પાર્ટી: ગરમીની શરૂઆત થતા જ આ વખતે હોલીમાં 'પુલ પાર્ટી'નું વિશેષ આકર્ષણ જોવા મળ્યું છે. પાણીમાં કલર ઉમેરીને લોકો મન મૂકીને ન્હાતા અને ગમ્મત કરતા નજરે પડ્યા હતા.
રેઈન ડાન્સ: કૃત્રિમ ફુવારાઓ નીચે 'રેઈન ડાન્સ' કરી રાજકોટિયન્સોએ ફુલ ઓન જલસા કર્યા હતા.
સોસાયટીઓમાં સામૂહિક ઉજવણી
શહેરની બહુમાળી ઇમારતો અને એપાર્ટમેન્ટ્સમાં પણ વહેલી સવારથી જ લાઉડસ્પીકર પર ગીતો વગાડીને સામૂહિક ધુળેટી રમાઈ હતી. અનેક જગ્યાએ ઠંડા પીણા અને ગોટા-જલેબીની મિજબાની પણ ગોઠવવામાં આવી હતી. રસ્તાઓ પર નીકળેલા વાહનચાલકો પણ એકબીજાને રંગ લગાવીને 'હોલી હૈ'ના નાદ સાથે અકસ્માત રહિત અને સુરક્ષિત હોળી રમતા જોવા મળ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એકંદરે, રાજકોટના લોકોએ આજે મન મૂકીને રંગોના આ પર્વને માણીને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે.