ફેમસ પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ હાલ પોતાની 'ઓરા ઇન્ડિયા ટૂર 2026'ને લઈને ભારે ચર્ચામાં છે. આ ટૂર અંતર્ગત શનિવાર, 21 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમનો ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં ઉમટેલી લાખોની ભીડ અને ચાહકોનો ઉત્સાહ જોઈને દિલજીત દોસાંજ અત્યંત ખુશ જોવા મળ્યા હતા. તેમણે કોન્સર્ટની કેટલીક યાદગાર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ઉપરાંત, લાઈવ શો દરમિયાન દિલજીતે પોતાની એક ખાસ ફેનને શાનદાર ભેટ આપીને સૌના દિલ જીતી લીધા હતા.
સાડા ચાર કલાકની રાહ જોયા બાદ જામી મહેફિલ
અમદાવાદ ખાતે આયોજિત દિલજીત દોસાંજના આ મેગા કોન્સર્ટને માણવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી હજારોની સંખ્યામાં ફેન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. સ્ટેડિયમમાં દર્શકોને બપોરે 3 વાગ્યાથી એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું, જોકે દિલજીતનો કોન્સર્ટ સાંજે 7:30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. જેના કારણે ચાહકોને અંદાજે 4 થી 4:30 કલાક સુધી લાંબી રાહ જોવી પડી હતી, પરંતુ દિલજીતે સ્ટેજ પર એન્ટ્રી લેતા જ સમગ્ર સ્ટેડિયમ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું અને ચાહકોનો તમામ થાક ઉતરી ગયો હતો.
દારૂના ગીતોના વિરોધ પર દિલજીતનો સ્ટેજ પરથી પલટવાર
આ કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંજે દારૂ પરના ગીતો ગાવાને લઈને ચાલી રહેલા વિવાદ અને પ્રતિબંધો મુદ્દે મૌન તોડ્યું હતું અને સ્ટેજ પરથી જ વિરોધ કરનારાઓને આકરો જવાબ આપ્યો હતો. દિલજીતે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, "કોલ્ડપ્લેવાળા અહીં આવીને ગાય છે તો કોઈને પ્રોબ્લેમ નથી, પરંતુ દિલજીત ગાય તો પ્રોબ્લેમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહારના વિદેશી કલાકાર આવીને ગાય તો કોઈને તકલીફ નથી પડતી, પણ મને કહે છે કે તું બહારથી આવ્યો છે."
હું હોનોલુલુમાં નથી પેદા થયો, તેમને પણ I Love You
વિરોધ કરનારાઓ પર કટાક્ષ કરતા દિલજીતે વધુમાં ઉમેર્યું હતું કે, "મારો જન્મ તો અહીંયા જ થયો છે, હું કંઈ હોનોલુલુમાં થોડો પેદા થયો છું? આ લોકોને બધા પ્રતિબંધો મારા પર જ લગાવવા છે. જોકે, મારા પર જે પ્રતિબંધો લગાવે છે તેનાથી મને કોઈ તકલીફ નથી, હું તો મારી મજા કરી રહ્યો છું. મારા તરફથી તેમને પણ I Love You." દિલજીતના આ નિવેદન પર સ્ટેડિયમમાં હાજર ચાહકોએ તાળીઓ અને બૂમો પાડીને તેમને પૂરું સમર્થન આપ્યું હતું.
શાયરી અને મોબાઈલની ફ્લેશ લાઈટથી ઝગમગી ઉઠ્યું સ્ટેડિયમ
વિવાદોના જવાબ આપવાની સાથે દિલજીતે પોતાના સંગીતથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કોન્સર્ટ દરમિયાન તેમણે એક શાનદાર શાયરી બોલીને ફેન્સના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને જ્યારે દિલજીતે 'તું મુજે કબૂલ' ગીત ગાયું ત્યારે સમગ્ર સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું અને હજારો દર્શકોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જાણે તારાઓથી ઝગમગી ઉઠ્યું હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.