ઉત્તરાખંડમાં હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) ઝુંબેશ ચાલી રહી છે. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પુરુષોત્તમને જ પોતાના નામમાં વિસંગતતા (તફાવત) હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, તેમના કાર્યાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ માત્ર નિયમિત તપાસ પ્રક્રિયાનો એક ભાગ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંદર્ભે જરૂરી તમામ દસ્તાવેજો સંબંધિત બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને અગાઉથી જ જમા કરાવી દેવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી રેકોર્ડમાં નામ અથવા અન્ય વિગતો મેળ ખાતી ન હોય ત્યારે જારી કરાતી આવી નોટિસ સંપૂર્ણપણે તકનીકી અને નિયમિત ચકાસણીનો ભાગ છે. તેને કોઈ ચિંતાની નજરે જોવાની જરૂર નથી. ૧૪ જુલાઈના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ સુધારણા પ્રક્રિયા દરમિયાન ઓળખાયેલી વિસંગતતાઓ અને મેપિંગની સમસ્યાઓને લીધે રાજ્યભરમાં આવી નોટિસો પાઠવવામાં આવી છે.
દરમિયાન, મતદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી અધિકારી પુરુષોત્તમે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ખાસ નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે દિવ્યાંગ મતદારો અને ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નોટિસની સુનાવણી માટે બિનજરૂરી રીતે મતદાન મથકો કે કેન્દ્રો સુધી આવવું ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે. આવા મતદારો માટે તેમના ઘરે જઈને જ નોટિસ અંગેની જરૂરી સુનાવણી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર કવાયતની પ્રગતિની સમીક્ષા કરવા માટે કુમાઉ અને ગઢવાલ વિભાગના વિભાગીય કમિશનરો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ કુમાઉ કમિશનર દીપક રાવત અને ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપને પોતપોતાના વિસ્તારોના જિલ્લાઓમાં આ સુધારણા કવાયતનું સઘન નિરીક્ષણ કરવા અને વિઝિટ લેવા ખાસ નિર્દેશ આપ્યા છે.
અધિક મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદાંડેએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં અત્યાર સુધીમાં મતદારોને આશરે ૧૯ લાખ નોટિસો આપવામાં આવી ચૂકી છે. આ આંકડો કુલ જારી કરવાની થતી નોટિસોના આશરે ૭૭ ટકા જેટલો થાય છે. તમામ જિલ્લાઓમાં નોટિસો પરની આ સુનાવણીની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને આગામી ત્રીજી સપ્ટેમ્બર સુધી આ જ રીતે પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.