અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી ડીમોલિશન કામગીરી બાદ વિસ્થાપિત થયેલા ભારતીય નાગરિકો માટે આવાસ ફાળવણીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. મકાનો તોડી પાડ્યા બાદ પુરાવાના આધારે આવાસ આપવા માટે કોર્પોરેશન દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હોવા છતાં, ૬ મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિલંબના વિરોધમાં ૩ સપ્ટેમ્બરે સવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે ૨૦૦થી વધુ અસરગ્રસ્ત રહીશોનું ટોળું ઉમટી પડ્યું હતું અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણની આગેવાની હેઠળ અસરગ્રસ્તોએ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો હતો. હાથમાં વિરોધ પ્રદર્શનના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ હાઉસની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે હાઈકોર્ટ અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ ભારતીય નાગરિકોને પુનઃવસન હેઠળ મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ દોઢ વર્ષ વીતી જવા છતાં એક પણ યોગ્ય નાગરિકને મકાન ફાળવવામાં આવ્યું નથી.
પૂર્વ વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ડીમોલિશન બાદ અનેક ગરીબ પરિવારો બહાર ભારે ભાડાં ભરીને રહેવા મજબૂર બન્યા છે. તેમણે માંગ કરી હતી કે જ્યાં સુધી અસરગ્રસ્તોને કાયમી આવાસની ફાળવણી ન થાય, ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા તેમને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવે. આ સાથે જ તેમણે ચિમકી આપી હતી કે જો મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે, તો આવતા મહિને તમામ વિસ્થાપિતો પોતાના સામાન સાથે મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને રહેવા જતા રહેશે.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષ દ્વારા હાઉસિંગ વિભાગ અને ખાનગી બિલ્ડરો વચ્ચે મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગરીબોને તેમના હકના આવાસ આપવાને બદલે પ્રોજેક્ટ્સમાં ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી જતાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા રિવરફ્રન્ટ હાઉસના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજૂઆત કરવા પહોંચેલા વિસ્થાપિતો અને નેતાઓની મુલાકાત ન થતાં રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.