સુપ્રીમ કોર્ટે વિમાન ટિકિટના ભાડામાં થઈ રહેલા અતિશય વધારા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કડક વલણ અપનાવ્યું છે. સોમવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે અરજદારના વકીલની દલીલો પર તીખી ટિપ્પણી કરતા મામલો ફગાવી દીધો હતો.
અદાલતમાં શું બન્યું?
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની ખંડપીઠ સમક્ષ એક વકીલે આ મામલાની તાત્કાલિક સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. સુનાવણી દરમિયાન વકીલે રજૂઆત કરી હતી કે વિમાન ભાડામાં 700 ટકા સુધીનો બેફામ વધારો થયો છે. તેમણે દલીલ કરી હતી કે વિમાની મુસાફરી એ એક આવશ્યક સેવા છે અને ટિકિટના દરોમાં આટલો મોટો વધારો બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન છે, જે કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે.
આ દલીલ પર જસ્ટિસ વિક્રમ નાથે ટૂંકી અને સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હવાઈ મુસાફરી ન કરો'. સુપ્રીમ કોર્ટની અરજદારને ટકોર કરી હતી" આ ટિપ્પણી બાદ ખંડપીઠે અરજીને સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આગળના કેસની સુનાવણી શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં અગાઉથી જ ચાલી રહી છે સુનાવણી
સર્વોચ્ચ અદાલત સામાજિક કાર્યકર એસ. લક્ષ્મીનારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી પર અગાઉથી જ સુનાવણી કરી રહી છે. આ અરજીમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે પારદર્શિતા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત અને સ્વતંત્ર નિયંત્રક (રેગ્યુલેટર) બનાવવાની માગ કરવામાં આવી છે. આ મામલે 16 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નિયંત્રિત કરવાના હેતુથી બનાવવામાં આવેલા 2024 ના કાયદા હેઠળના નિયમોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
1 જાન્યુઆરી 2027 થી લાગુ થશે નવા નિયમો
આ અદાલતી ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે વિમાન ભાડાને લઈને નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. 'ભારતીય વાયુયાન નિયમ, 2026' હેઠળ અધિસૂચિત આ નિયમો 1 જાન્યુઆરી 2027 થી અમલમાં આવશે.
નવા નિયમો અનુસાર:
સરકાર પોતાની વર્તમાન નીતિ ચાલુ રાખશે, જે હેઠળ ભાડાનું નિર્ધારણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે.
એરલાઇન્સના ભાડા પર કોઈ સામાન્ય મર્યાદા (કેપ) કે સીધું નિયંત્રણ લાદવાની યોજના નથી.
જોકે, સરકાર માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરશે જ્યારે કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય અને જનહિતમાં એવું કરવું અત્યંત આવશ્યક હોય.
પીક સિઝન અથવા કટોકટીની સ્થિતિમાં મુસાફરો પાસેથી મનસ્વી ભાડું ન વસૂલવામાં આવે તે માટે એરલાઇન્સ પર મજબૂત નિરીક્ષણ માળખું જાળવવામાં આવશે.