BREAKING NEWS

જામનગર: ત્રણ દિવસથી નિરાધાર સ્થિતિમાં રહેતાં વૃદ્ધા માટે '૧૮૧ અભયમ' બની સંજીવની

  • November 02, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ત્રણ દિવસથી નિરાધાર સ્થિતિમાં રહેતાં વૃદ્ધા માટે '૧૮૧ અભયમ' બની સંજીવની

​​​​​​​સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવતી જામનગર ૧૮૧ની ટીમ

જાગૃત નાગરિકની સમયસરની જાણકારી અને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીથી અસહાય વૃદ્ધાને મળ્યો સુરક્ષિત આશરો

માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ પેશ કરતાં જામનગરની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે રસ્તા પર નિરાધાર હાલતમાં ભટકતાં એક વૃદ્ધ માજીને સમયસર મદદ પહોંચાડી સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.

બનાવની વિગત અનુસાર, એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપી હતી કે એક વૃદ્ધ માજી છેલ્લા ત્રણ દિવસથી ચોકડી પાસે અત્યંત નિરાધાર અને અસહાય હાલતમાં બેઠાં છે. કોલ મળતાં જ ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર ઈશિતા પરમાર, એ.એસ.આઈ. તારાબેન ચૌહાણ તથા પાયલોટ રામજીભાઈ સિયાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સૌપ્રથમ માહિતી આપનાર નાગરિક પાસેથી સમગ્ર પરિસ્થિતિ સમજી લીધી હતી.ત્યારબાદ અભયમ ટીમે વૃદ્ધ માજીને સાંત્વના આપી તેમનું ગહન કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન માજીએ અત્યંત ભાવુક હૈયે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમના પતિ અને દીકરાનું અવસાન થઈ ચૂક્યું છે તથા પુત્રવધૂ પણ તેમને સાથે રાખતી ન હોવાથી તેઓ આશ્રયની શોધમાં ભટકી રહ્યાં હતાં. ઘૂંટણના દુખાવાની તકલીફ હોવાથી અગાઉ તેઓ એક હોસ્પિટલમાં છ મહિના સારવાર હેઠળ દાખલ રહ્યા હતા અને ત્યારબાદ ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં જ રહ્યા હતા, જ્યાં આવતા-જતા લોકો પાસેથી જમવાનું અને કપડાં મળી રહેતાં હતાં. પરંતુ એક દિવસ નશાની હાલતમાં રહેલા એક શખ્સે તેમની સાથે મારપીટ કરતાં તેઓ ત્યાંથી નીકળી જવા મજબૂર બન્યાં હતાં અને છેલ્લા ત્રણ દિવસથી ચોકડી પાસે આશ્રય વગર બેઠા હતાં.

વૃદ્ધ માજીની કરુણ પરિસ્થિતિ અને સુરક્ષિત આશ્રયની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૮૧ની ટીમે તેમને હિંમત આપી હતી. ત્યારબાદ માજીને સંપૂર્ણ સુરક્ષા અને જરૂરી તમામ સહાય મળી રહે તે હેતુથી જામનગરના 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે રિફર કરી આશ્રય અપાવવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકની સજાગતા અને ૧૮૧ અભયમની ત્વરિત કામગીરીના પરિણામે માજીને મુશ્કેલ સમયમાં આશરો મળતાં તેમણે સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application