સરકારના સાયબર ગુના વિરોધી વિભાગે વોટ્સએપ વેબનો ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણી જારી કરી છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) હેઠળ કાર્યરત નેશનલ સાયબરક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU)એ નવી સુરક્ષા એડવાઇઝરીમાં જણાવ્યું છે કે વોટ્સએપ વેબના સક્રિય અને ઓથેન્ટિકેટેડ સેશનનો લાભ લઈને હેકર્સ એકાઉન્ટ હાઇજેક કરી શકે છે. આના કારણે યુઝર્સની અંગત ચેટ જોખમમાં મુકાઈ શકે છે અને તેમની ઓળખનો દુરુપયોગ કરીને છેતરપિંડી પણ થઈ શકે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, એડવાઇઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એકવાર કોઈ એકાઉન્ટ પર અનધિકૃત પહોંચ મળી જાય, પછી હેકર્સ અંગત મેસેજ વાંચી શકે છે તેમજ કોન્ટેક્ટ લિસ્ટ અને ગ્રુપ ચેટ પણ જોઈ શકે છે. તેઓ પોતાને એકાઉન્ટના અસલી માલિક તરીકે રજૂ કરીને મેસેજ મોકલી શકે છે અને યુઝરની ઓળખનો ગેરલાભ ઉઠાવીને છેતરપિંડી, ફિશિંગ કે સોશિયલ એન્જિનિયરિંગ જેવા કૌભાંડોને અંજામ આપી શકે છે. 14Cએ ખાસ ભાર મૂક્યો છે કે માત્ર બ્રાઉઝરની વિન્ડો અથવા ટેબ બંધ કરી દેવાથી વોટ્સએપ વેબનું સેશન પૂરું થતું નથી. તેથી કમ્પ્યુટર પર વોટ્સએપ વેબનો ઉપયોગ પૂરો થાય ત્યારે યુઝર્સે જાતે મેન્યુઅલી લોગ આઉટ કરવું જોઈએ.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ વેબનો ઉપયોગ કરતી વખતે વધારાની સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને ઓફિસના કમ્પ્યુટર, શેર્ડ સિસ્ટમ, જાહેર કમ્પ્યુટર અથવા એવા કોઈ પણ ડિવાઇસ પર, જેનો ઉપયોગ બીજા લોકો પણ કરતા હોય, ત્યાં વધુ સતર્કતા જરૂરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે વોટ્સએપ વેબ પર કોઈ પણ સત્તાવાર કે સંવેદનશીલ કામ કરવાનું ટાળવું જોઈએ. સરકારી, સંગઠનાત્મક, નાણાકીય, ગોપનીય કે અન્ય સંવેદનશીલ માહિતીની આપ-લે કમ્પ્યુટર પર વોટ્સએપ વેબ દ્વારા ન કરવી જોઈએ.
એકાઉન્ટને અનધિકૃત કબજાથી બચાવવા માટે 14Cએ કેટલીક મહત્વપૂર્ણ સાવચેતી અપનાવવાની સલાહ આપી છે.
સૌપ્રથમ, સાયબર કેફેના કમ્પ્યુટર, પબ્લિક કિયોસ્ક, હોટલના બિઝનેસ સેન્ટર, અન્ય વ્યક્તિ પાસેથી લીધેલા લેપટોપ અથવા અજાણ્યા અને જાહેર ડિવાઇસ પર વોટ્સએપ વેબમાં લોગ ઇન કરવાનું ટાળવું જોઈએ.
જો શેર્ડ સિસ્ટમ પર લોગ ઇન કરવું અનિવાર્ય હોય, તો બ્રાઉઝરના ઇન્કોગ્નિટો અથવા પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો, પરંતુ કામ પૂરું થયા પછી મેન્યુઅલી લોગ આઉટ કરવાનું ભૂલવું નહીં.
એકાઉન્ટની ગતિવિધિઓ પર નજર રાખવી પણ જરૂરી છે. જો તમારા નંબર પરથી એવો કોઈ મેસેજ મોકલાય જે તમે મોકલ્યો ન હોય, કોન્ટેક્ટ્સ તરફથી કોઈ વિચિત્ર પ્રતિક્રિયા મળે અથવા કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય, તો તરત સતર્ક થઈ જવું જોઈએ.
આ ઉપરાંત, ડિવાઇસ, ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સિક્યુરિટી સોફ્ટવેર નિયમિત રીતે અપડેટ રાખવા અને શંકાસ્પદ ડાઉનલોડ, અજાણી ફાઇલો તથા ક્રેક્ડ સોફ્ટવેરથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.