BREAKING NEWS

બોલ તને ક્યાં મારું, તું કે ત્યાં મારું, હું તો જામીન ઉપર છૂટી જઈશ... દર્દીના સગાએ ડોક્ટરને બેફામ માર માર્યો

  • December 29, 2025 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છાસવારે તબીબ અને નર્સિંગ સ્ટાફ ઉપર દર્દીના સ્વજન દ્વારા હુમલો કરી મારમારવાની ઘટનાઓ તેમજ તું તું મેં મેં ના બનાવ સામે આવે છે. પરંતુ નોકરીને ધ્યાને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવતી ન હોવાથી આવા બનાવ વખતો વખત બની રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક તબીબને મારમાર મારવાનો બનાવ સામે આવ્યો છે. પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે મોડી રાત્રીના ન્યુરો વોર્ડમાં દર્દીના પરિચિતે બ્લડ આપવા બાબતે ડોક્ટરને વોર્ડમાં ઘુસી ગાળો આપી બેફામ માર મારવામાં આવતા તબીબને મૂંઢ ઇજા થવાથી સારવાર આપવામાં આવી હતી. બનાવના પગલે સિવિલ હોસ્પિટલના તબીબોમા રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે સિક્યોરિટીની સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. તબીબે મારમારવાના પડઘા સમગ્ર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પડતા આજે બપોરે ચાર વાગ્યે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરી હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


તબીબ પર હુમલાની ગંભીર ઘટનાની મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલના ન્યુરો વિભાગમાં ફરજ બજાવતા ડો.પાર્થ પંડ્યા (ઉ.વ.28) રાત્રીના પીએમએસએસ વિભાગના પાંચમા માળે ન્યુરો આઈસીયુમાં પોતાની ફરજ પર હતા ત્યારે દાખલ દર્દીને લોહીની જરૂરિયાત હોવાથી બ્લડ માટેનું કહેવામાં આવ્યું હતું. આથી પુરુષ દર્દીએ તેમના પરિચિતને ફોન કરી બ્લડ માટેની વાતચીત કરી હતી. આથી પરિચિત યુવક સિવિલ હોસ્પિટલએ આવ્યો હતો અને પોતાનું નામ જયદીપ ચાવડા હોવાનું જણાવ્યું હતું. તબીબે વાતકરી હતી કે, હિમોગ્લોબીન ઘટી રહ્યું છે એટલા માટે પહેલા બે બ્લડની બોટલ અમે ચડાવી દીધી છે. હજુ વધુ બે બ્લડની જરૂરિયાત પડશે આથી તમારે બ્લડની વ્યવસ્થા રિપ્લેસ કરીને કરવી પડશે. આથી શખ્સે તબીબને ચીઠી લખી આપવાનું કહ્યું હતું. પરંતુ તબીબે ચીઠી દર્દીના સગાને ન આપી શકીએ બ્લડ અમારા સ્ટાફ દ્વારા જ મગાવામાં આવે છે તેમ કહ્યું હતું. જે અંગે નાઈટ ડ્યુટીના ફરજ પરના સીએમઓને પણ જાણ કરી હતી. આ દરમિયાન શખ્સે ડો.પાર્થને તને મારીશ ધમકી મારી જતો રહ્યો હતો.


જે બાદ એકાદ કલાક પછી ત્રીજા ફ્લોરએ ડો.પાર્થ પાસે ઘસી ગયો હતો અને બોલ તને ક્યાં મારું, તું કે ત્યાં મારુ, હું તો જામીન ઉપર છૂટી જઈશ, આવા ઉડતા ડોકટરો કેટલાય જોયા છે કહી સીધો જ મારપીટ કરવા લાગ્યો હતો. ભારે દેકારો થતા નર્સિંગ સ્ટાફ સહિતના ભેગા થઇ ગયા હતા અને તબીબે સિક્યોરિટીને બોલાવતા ગાર્ડએ શખ્સને પકડવાની બદલે તબીબે પકડી શખ્સને જવા દીધો હતો.


ઘટનાની જાણ ન્યુરો ડિપાર્ટમેન્ટના વડા ડો. અંકુર પાંચાણીને કરવામાં આવતા તે પણ રાતોરાત સિવિલે દોડી ગયા હતા અને બનાવ વિશેની માહિતી મેળવી સિક્યોરિટીનો ઉઘડો લીધો હતો. અને વોર્ડના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેનું જણાવી બનાવની સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાને પણ જાણ કરી હતી. ડો.પાર્થને સારવાર અપાવી એમએલસી કેસ કર્યો હતો. તબીબ ઉપર વોર્ડમા ઘુસી હુમલો કરવાની આ ગંભીર ઘટનાને પગલે સિવિલના તબીબોમાં ભારે રોષ ભભૂક્યો છે. આ ઘટનાને વખોડી શખ્સ સામે આકરી કાર્યવાહી કરવાની માગ સાથે આજે બપોરે જુદાજુદા વિભાગના વડાઓ, મેડિકલ ઓફિસરો સહિતના દ્વારા કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News