નેશનલ મેડિકલ કમિશનનો ડૉક્ટર નોંધણી પ્રણાલીમાં મોટા ફેરફાર કરવાનો પ્રસ્તાવ, નવો નિયમ લાગુ થાય તો ડોક્ટરોએ અન્ય રાજ્યમાં પ્રેક્ટીસ કરવા અલગ લાયસન્સ નહી લેવું પડે
નેશનલ મેડિકલ કમિશન ડૉક્ટર નોંધણી પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ, દેશના દરેક રજિસ્ટર્ડ ડૉક્ટરને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ નંબર ડૉક્ટર માટે રાષ્ટ્રીય ઓળખ તરીકે કામ કરશે. એક રાજ્યમાં રજિસ્ટર્ડ ડૉક્ટરને હવે બીજા રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે અલગ નોંધણી અથવા લાઇસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં. ડૉક્ટરોના લાયસન્સની સ્થિતિ અને તેમની સામે લેવામાં આવેલી શિસ્તબદ્ધ કાર્યવાહીના રેકોર્ડ પણ ડિજિટલી ઉપલબ્ધ રહેશે.રાજ્ય તબીબી પરિષદ પાસેથી નોંધણી મેળવ્યા પછી,નેશનલ મેડિકલ કમિશનનું એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ ડૉક્ટરને યુઆઈડી જારી કરશે. ત્યારબાદ ડોક્ટરનું નામ નેશનલ મેડિકલ રજિસ્ટરમાં નોંધાઈ જશે.
બોક્સ
ડોક્ટરનું પ્રેક્ટિસ લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય, પછી રીન્યુ કરાવવાનું
આ યુઆઈડી સમગ્ર દેશમાં ડોક્ટરની ઓળખ તરીકે ઉપયોગમાં લેવાશે. આનાથી ડોક્ટરને બીજા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રેક્ટિસ કરવા માટે અલગ લાઇસન્સિંગ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂરિયાત દૂર થશે.પ્રસ્તાવ મુજબ,ડોક્ટરનું પ્રેક્ટિસ લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય રહેશે.તેની મુદત પૂરી થયાના ત્રણ મહિનાની અંદર લાયસન્સને અપડેટ કરવાની જરૂર રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં રિન્યુ કરવામાં નિષ્ફળતાના પરિણામે ડોક્ટરનું રજીસ્ટ્રેશન નિષ્ક્રિય થઈ શકે છે. આવા કિસ્સામાં, ડોક્ટરને પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં, અને આ માહિતી એનએમઆરમાં અપડેટ કરવામાં આવશે.
સમગ્ર ભારતમાં નોંધણી પોર્ટલનો પ્રસ્તાવ
નવી સિસ્ટમમાં, ડોક્ટરની નોંધણી, લાઇસન્સ અને શિસ્તભંગના પગલાં સંબંધિત માહિતી ડિજિટલ રેકોર્ડમાં સંગ્રહિત કરવામાં આવશે. જો રાજ્ય મેડિકલ કાઉન્સિલ કોઈ ડોક્ટર સામે કાર્યવાહી કરે છે, તો આ માહિતી એનએમઆરમાં નોંધવામાં આવશે. વધુમાં, આ રેકોર્ડ ડોક્ટરના ગૃહ રાજ્યના મેડિકલ રજિસ્ટરમાં અપડેટ કરવામાં આવશે. દર્દીઓ અને હોસ્પિટલો પણ ઉપલબ્ધ માહિતી ઓનલાઈન મેળવી શકશે.આ સિસ્ટમ માટે એકીકૃત સમગ્ર ભારતમાં નોંધણી પોર્ટલનો પ્રસ્તાવ છે. જે રાજ્યોમાં પહેલાથી જ ઓનલાઈન નોંધણી સુવિધાઓ છે તેમને પણ આ રાષ્ટ્રીય પોર્ટલ સાથે જોડવામાં આવશે.
હાલના ડોકટરોને પણ યુઆઈડી મળશે
જે ડોકટરો પાસે હાલમાં યુઆઈડી નથી તેમના માટે એક ખાસ અપડેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી શકે છે. તેઓ ઈએમઆરબી પોર્ટલ પર તેમની માહિતી અપડેટ કરીને યુઆઈડી મેળવી શકશે. આ માટે ઈએમઆરબી દ્વારા કોઈ ફી લેવામાં આવશે નહીં.