BREAKING NEWS

રાજકોટ અને વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે દ્વાર ખુલ્યા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન ઇમિગ્રેશન માટે આપી મંજૂરી

  • November 12, 2026 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે હવાઈ પરિવહન ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટને ઇમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-1 ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, એટલે કે અહીં વિદેશી ઇમિગ્રેશન માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના વડોદરા એરપોર્ટનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 9 નવેમ્બર, 2026 ના રોજ ભારતના રાજપત્ર (ગેઝેટ ઓફ ઇન્ડિયા) માં સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, 2025 ની કલમ-4 ની પેટાકલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અગાઉ જાહેર કરાયેલી એરપોર્ટની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત કેટેગરી-1 ના એરપોર્ટની યાદીમાં ક્રમ નંબર 40 પર રાજકોટ હિરાસર (ગુજરાત) અને ક્રમ નંબર 41 પર વડોદરા (ગુજરાત) નો સમાવેશ કરવામાં આવ્યો છે.


9 નવેમ્બરના રોજ જાહેર થયું સત્તાવાર જાહેરનામું

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે 9 નવેમ્બર, 2026 ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના અધિક અગ્રસચિવ નિતેશ કુમાર વ્યાસની સહી સાથે તેને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. અગાઉ 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા મૂળ જાહેરનામામાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા હતા, જે બાદ હવે ગુજરાતના આ બંને મહત્વના એરપોર્ટને કેટેગરી-1 ની યાદીમાં સ્થાન મળ્યું છે.


સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે વિકાસની મોટી તક

હિરાસર અને વડોદરા એરપોર્ટને આ યાદીમાં સ્થાન મળવું એ રાજ્યના ઉડ્ડયન ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ વિકાસ માનવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રનું મુખ્ય વેપારી, ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર હોવાથી રાજકોટથી દેશ-વિદેશમાં અવરજવર કરતા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે. ખાસ કરીને ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રવાસીઓ અને વિદેશમાં વ્યવસાય ધરાવતા નાગરિકો માટે ભવિષ્યમાં સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ શરૂ થવાની નવી સંભાવનાઓ ઊભી થઈ છે.


​​​​​​​આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી હવાઈ કનેક્ટિવિટીની આશા

કેટેગરી-1 ની યાદીમાં સામેલ કરવાના આ નિર્ણયથી ભવિષ્યમાં ઇમિગ્રેશન સંબંધિત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણના વિકાસ માટે માર્ગ મોકળો થશે. જોકે, હાલ આ જાહેરનામા દ્વારા એરપોર્ટનો યાદીમાં સમાવેશ કરાયો છે, પરંતુ સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગુજરાતના હવાઈ પરિવહન ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો ખુલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application