BREAKING NEWS

રાજકોટમાં એક કલાકમાં બે હત્યાથી ચકચાર: મોરબી રોડ પર પત્નીની હત્યા બાદ પતિએ ઝેર પીધું, ગાંધીગ્રામમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

  • November 20, 2026 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક કલાકના ગાળામાં અલગ-અલગ બે હત્યાની ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ બંને ઘટનાઓને પગલે પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

મોરબી રોડ પર પતિ દ્વારા પત્નીની હત્યા
પ્રથમ ઘટના શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં બની હતી. અહીં રહેતા પ્રવીણભાઈ પરસોડા નામના વ્યક્તિએ પોતાની પત્ની શારદાબેન પરસોડાની તીક્ષ્ણ હથિયાર (છરી) ના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસ થતો હતો, જેની અદાવતમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ પ્રવીણ પરસોડાએ પણ પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પતિની ધરપકડ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે આરોપી અન્ય રાજ્યમાં ભાગી જાય તે પહેલા જ તેને ઝડપી લીધો હતો.

મૃતક શારદાબેન પરસોડા​​​​​​​નો ફાઇલ ફોટો




ગાંધીગ્રામમાં યુવકની છરીના ઘા મારી હત્યા

આ ઘટનાના થોડા સમય બાદ જ, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ એસ.કે. ચોક પાસે હત્યાની બીજી ઘટના બની. અહીં મનીષ પરમાર નામના એક યુવકની અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા ગની નામના ઇસમ દ્વારા કરવામાં આવી છે, જે તાજેતરમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. પ્રાથમિક આશંકા મુજબ પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક મનીષ પરમારનો ફાઇલ ફોટો



એક કલાકમાં બનેલી આ બે ગંભીર ઘટનાઓના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની ઢીલી નીતિના કારણે લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાની ચર્ચા પણ શહેરમાં જોર પકડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application