સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલી અને સામાન્ય વાતચીતના ઝઘડાએ મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બે સગીર મિત્રોની મટન કાપવાના છરા વડે નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ગંભીર ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની થિયરી સામે મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને પરિવારજનો આ હત્યા પાછળ ઓનલાઇન ગેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. મૃતકના કાકા મોહમ્મદ સલમાને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના ફ્રી ફાયર ગેમ રમવા બાબતે થઈ હતી. ગેમ રમતી વખતે કોઈક બાબતે ગાળાગાળી થઈ હતી, જેમાં મારા ભત્રીજાના મિત્ર સાથે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સામેવાળા યુવકે તેને ધમકી આપીને લડવા માટે બોલાવ્યો હતો અને આ દુર્ઘટના ઘટી હતી.
પરિવારના અન્ય એક સભ્ય મોહમ્મદ સાબીરે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના બાળકો તો માત્ર મિત્રતાના નાતે ઝઘડાનું સમાધાન કરવા માટે સ્થળ પર ગયા હતા. જ્યારે આરોપી હાથમાં ચપ્પુ લઈને આવ્યો, ત્યારે જેની સાથે મુખ્ય ઝઘડો હતો તે યુવક છરી જોઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ વચ્ચે બચાવ કરવા કે સમાધાન માટે પડેલા આ બંને સગીરોને જીવલેણ ઘા વાગી ગયા હતા. પરિવારે આક્રોશ વ્યક્ત કરતા ન્યાયની માંગ કરી છે કે આરોપીને એવી સજા થવી જોઈએ કે તે જિંદગીભર જેલમાંથી ક્યારેય બહાર ન આવી શકે.
બીજી તરફ, પોલીસ તપાસમાં આ વિવાદ પાછળ 'સલમાન ખાન' નામના વ્હોટ્સએપ ગ્રૂપની ચેટ અને બોલાચાલી જવાબદાર હોવાનું ખૂલ્યું છે. એસીપી વિજય મલ્હોત્રાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આશરે 60થી 70 સભ્યો ધરાવતા આ વ્હોટ્સએપ ગ્રૂપમાં ઘોડેસવારીના વધુ પડતા વીડિયો શેર કરવા બાબતે બીજા સભ્યે વાંધો ઉઠાવ્યો હતો. આ વાત પરથી બંને પક્ષે ગાળાગાળી શરૂ થઈ હતી અને 'ખાનદેશી' શબ્દનો ઉપયોગ થતાં મામલો વધુ બિચક્યો હતો. જોકે, વાત વધતાં ઉગ્ર ઝપાઝપી થઈ અને સગીરોને ગંભીર છરાના ઘા વાગી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે જ્યારે બંને પક્ષો આમનેસામને આવ્યા ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર ગઈ હતી. મુખ્ય આરોપી સગીરના પિતાની મટનની દુકાન આવેલી છે. જ્યારે તેને ખબર પડી કે સામે પક્ષના યુવકો તેને શોધતા આવ્યા છે, ત્યારે તે ફક્ત ડરાવવાના ઈરાદે દુકાનમાંથી મટન કાપવાનો મોટો છરો સાથે લઈને ગયો હતો. પરંતુ સામસામે થયેલી ઉગ્ર બોલાચાલી અને મારામારીમાં તેણે ગુસ્સામાં કાબૂ ગુમાવ્યો અને પોતાના જ મિત્રો પર ઉપરાછાપરી છરાના ઘા ઝીંકી દીધા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત ધોરણે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાલમાં બંને મૃતક સગીરોના પરિવારજનોમાં ભારે શોક અને કલ્પાંત છવાઈ ગયો છે. મૃતકોમાંથી એક સગીરના પિતા જેલમાં છે અને માતા નથી, જ્યારે બીજા સગીરના પિતા દિવ્યાંગ છે. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી લીધા છે અને ગુનાને અંજામ આપીને નાસી છૂટેલા સગીર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.