BREAKING NEWS

રાજકોટ સિવિલમાં મહિલા તબીબને લાફો મારનાર ડો.અશ્વિન રામાણીની ધરપકડ, થપ્પડની ગુંજ ગાંધીનગર સુધી સંભળાઈ, ધગધગતો રિપોર્ટ મોકલાયો

  • August 21, 2026 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંજના સમયે ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.રામાણીએ રેસિડેન્ટ ડો. ક્રિશા શિંગાળા વચ્ચે દર્દીને દાખલ કરવા મુદ્દે રકઝક થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મેડિકલ ઓફિસરે રેસિડેન્ટનો ફોન ખેંચી ગાળાગાળી કરી લાફો મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાનાને પગલે ઉહાપો મચી જતા રેસિડેન્ટ ડોક્ટર્સ એકઠા થઇ ઇમરજન્સી બહાર કેમ્પસમાં જ ધરણા પર બેસી મેડિકલ ઓફિસર વિરુધ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ડોક્ટર્સની તત્કાલ હડતાલને લઈને દર્દીઓ પણ મુસીબતમાં મુકાયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને મેડિકલ કોલેજના ડીન ડો.પંકજ બુચ સિવિલ ખાતે રાત્રીના દોડી ગયા હતા અને સમજાવટ બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ સમેટી હતી. બનાવ અંગે રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા નિલેશભાઈ શીંગાડાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે મેડિકલ ઓફિસર ડો.અશ્વિન રામાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીના ઈમરજન્સીમાં ડ્યુટી દરમિયાન વૃધ્ધા સારવાર માટે આવ્યા હતા અને અને તેમની સ્થિતિ ક્રિટિકલ હોવાથી તેને વેન્ટીલેટર ઉપર રાખવાની જરૂર હોવાથી મેડિકલ ઓફિસર ડો.રામાણીને કહ્યું હતું કે, પરંતુ તેમણે વૃધ્ધાને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતા આ બાબતે તેમની સાથે વાતચીત કરવા જતા ઉગ્ર થઈને વાત કરવા લાગ્યા હતા અને બોલાચાલી કરી લાફો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં પણ કેદ થઇ છે, બનાવ અંગે મેડિસિન વિભાગના એચઓડીને જાણ કરી હતી અને તમામ સિનિયર જુનિયર રેસિડેન્ટ ઇમરજન્સી વોર્ડ પાસે એકઠા થઇ બનાવ અંગે પગલાં લેવાની માગ કરી હતી.

સિનિયર અને જુનિયર તબીબો સાથેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ટીકાપાત્ર બન્યું છે. સમગ્ર બનાવને પગલે ગુનો ડો.અશ્વિન રામાણીની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી.



ઘટનાને લઇ મેડિકલ કોલેજમાં બેઠક મળી: ધગધગતો રિપોર્ટ મોકલાયો

રાત્રીની ઘટનાને લઈ આજે સવારે મેડિકલ કોલેજ ખાતે ઇમર્જન્સીમાં ડીન ડો.પંકજ બુચ અને સુપ્રીટેન્ડેન્ટ ડો,મોનાલી માકડીયાની અધ્યક્ષતામાં તમામ વિભાગોના વડા, રેસિડેન્ટ તબીબોની હાજરીમાં એક બેઠક મળી હતી જેમાં અગાઉ પણ ડો.રામાણી સામે થયેલી ફરિયાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર બનાવની નિંદા કરી તપાસ કમિટીએ ધગધગતો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના આરોગ્ય વિભાગ અને મેડિકલ કાઉન્સિલમાં મોકલવા આવ્યો છે. જે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જવાબદાર સૂત્રોએ જણાવ્યું છે.


થપ્પડની ગુંજ ગાંધીનગર સુધી સંભળાઈ: આકરી કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રી

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ફિમેલ ડોક્ટરને મારવામાં આવેલી થપ્પડની ગુંજ ગાંધીનગર સુધી સંભળાતા ખુદ આરોગ્ય મંત્રી લાલઘૂમ બન્યા હતા અને સમગ્ર બનાવને ગંભીર ગણાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application