ભારત અને વિયેતનામ વચ્ચે ઝડપથી વિકસતા આર્થિક, વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિષયોના નિષ્ણાત ડૉ. હિરેન ગાંધી દ્વારા લખાયેલું પુસ્તક “ઇન્ડિયા–વિયેતનામ: ઇમેન્સ ઓપર્ચ્યુનિટીઝ” પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ ભારત અને વિયેતનામના બિઝનેસ સમુદાયને બંને દેશોમાં રહેલી વ્યાપાર, રોકાણ, આયાત-નિકાસ અને સહયોગની વિશાળ તકો અંગે મહત્વપૂર્ણ માહિતી તથા વ્યવહારુ માર્ગદર્શન આપવાનો છે.
આ પુસ્તક માત્ર ભારત-વિયેતનામ સંબંધોની સામાન્ય માહિતી પૂરતું સીમિત નથી. તેમાં સેક્ટર-વાઇઝ અને ડેટા આધારિત વિશ્લેષણ દ્વારા બંને દેશોની આર્થિક શક્તિ, દ્વિપક્ષીય વેપારની સ્થિતિ, બજારની સંભાવનાઓ, આયાત-નિકાસના અવસર અને ભવિષ્યમાં વધુ વિકાસની ક્ષમતા ધરાવતા ક્ષેત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, મસાલા, કાજુ અને ડ્રાયફ્રૂટ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં ભારત અને વિયેતનામ એકબીજા માટે કેવી રીતે પૂરક બની શકે તે અંગે પુસ્તકમાં ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પુસ્તકમાં સમાવિષ્ટ આંકડાકીય માહિતી અને સેક્ટર આધારિત અભ્યાસ ઉદ્યોગકારો, આયાતકારો, નિકાસકારો, ઉત્પાદકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધતા વેપારીઓને કયા ક્ષેત્રોમાં તકો રહેલી છે, બજારને કેવી રીતે સમજવું અને ભારત–વિયેતનામ વચ્ચે લાંબા ગાળાની વ્યવસાયિક ભાગીદારી કેવી રીતે વિકસાવી શકાય તે સમજવામાં મદદરૂપ બની શકે છે.
પુસ્તકના લેખક ડૉ. હિરેન ગાંધી આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ ક્ષેત્રનો 37 વર્ષનો સમૃદ્ધ અને પ્રાયોગિક અનુભવ ધરાવે છે. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ની ફૂડ્સ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ નમસ્તે હાનોઈ, વિયેતનામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જોડાયેલા છે. ડૉ. હિરેન ગાંધીને ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત થયેલી છે. તેમના લાંબા વ્યાપારિક અનુભવ, આંતરરાષ્ટ્રીય બજારોની સમજ અને આર્થિક અભ્યાસનું પ્રતિબિંબ આ પુસ્તકમાં જોવા મળે છે.
ડૉ. હિરેન ગાંધીના મતે ભારત અને વિયેતનામ વચ્ચેનો સંબંધ માત્ર આયાત-નિકાસના આંકડા સુધી મર્યાદિત નથી. બંને દેશોની ઉત્પાદન ક્ષમતા, વિકસતું બજાર, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધતું મહત્વ, ઉદ્યોગસાહસિક શક્તિ અને પરસ્પર પૂરક વ્યાપારિક ક્ષમતાઓ ભવિષ્યમાં અનેક નવી તકોનું સર્જન કરી શકે છે.
“ઇન્ડિયા–વિયેતનામ: ઇમેન્સ ઓપર્ચ્યુનિટીઝ” ભારતના એવા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે વિશેષ ઉપયોગી બની શકે છે, જેઓ વિયેતનામના બજારમાં પ્રવેશવા, ત્યાં બિઝનેસ પાર્ટનર શોધવા, રોકાણ કરવા અથવા ત્યાંથી સોર્સિંગ કરવા ઇચ્છે છે. તે જ રીતે ભારતના વિશાળ ગ્રાહક બજાર, ઉત્પાદન ક્ષમતા અને રોકાણની તકોને સમજવા ઇચ્છતા વિયેતનામના બિઝનેસ સમુદાય માટે પણ આ પુસ્તક એક મહત્વપૂર્ણ બિઝનેસ રેફરન્સ અને માર્ગદર્શિકા બની શકે છે.
આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે કે ભારત અને વિયેતનામ વચ્ચેની મજબૂત મિત્રતાને વેપાર, રોકાણ, ટેક્નોલોજી, ઉત્પાદન અને વ્યૂહાત્મક બિઝનેસ ભાગીદારીમાં પરિવર્તિત કરવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે. યોગ્ય માહિતી, ડેટા, વિશ્વાસ અને લાંબા ગાળાના સહયોગ દ્વારા બંને દેશોના વેપાર સમુદાયો પરસ્પર વિકાસ અને સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરી શકે છે.